Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 વ્યક્તિના મોત

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદ વિસ્તારમાં ઝડપે પસાર થતી ટ્રકે ઓટોરિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર માતા અને દીકરા સહિત 12 વ્યક્તિોના કરુણ મોત થયા હતા. અકસ્માતનો ભેગ બનેલા લોકો ઓટોરિક્ષામાં પોષ પૂનમ નિમિત્તિ ગંગાસ્નાન કરવા જઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં એક બાળક અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં ફુડચે ફુડચા ઉડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મદનાપુર વિસ્તારમાં દમગડામાં રહેવાસીઓએ પૂનમ નિમિત્તે ગંગા સ્નાન કરવાનું નક્કી કરીને અનંતરામની રિક્ષા બુક કરાવી હતી. આજે સવારે તમામ લોકો રિક્ષામાં ગંગા સ્નાન કરવા માટે ફરુખાબાદના પંચાલ ઘાટ જઈ રહ્યાં હતા. દરમિયાન અલ્હાગંજના સુગસુગી નજીક હાઈવે પર સામેથી પૂરઝડપે આવતી ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રિક્ષામાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતને પગલે રિક્ષામાં સવાર ચારેક વ્યક્તિ ઉછડીને રોડની સાઈડમાં પટકાયાં હતા. આ ચારેય પોતાની જાતને સંભાળે તે પહેલા જ ટ્રક ચાલક ભાગવાના પ્રયાસમાં તેમને અડફેટે લીધા હતા. જેથી જે ઘાયલ હતા તેમના પણ મોત થયા હતા.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર ઉમટી પડ્યાં હતા. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને ઝડપી લેવા કવાયત શરુ કરી છે. આ બનાવમાં લાલારામ વેદરામ, પુત્તુ વેદરામ, સિયારામ માખનપાલ, સુરેશ માખનલાલ, લવકુશ ચંદ્રપાલ, યતીરામ સીતારામ, પોથીરામ નોખેરામ, વસંતાબેન નેત્રપાલ, રિક્ષા ચાલક અનંતરામ નેત્રપાલ, રૂપાદેવી નેત્રપાલ, રાહુલ ઋષિપાલ, રંપાબેન ઋષિપાલનો સમાવેશ થાય છે.