Site icon Revoi.in

નવસારીમાં 13 ઈંચ વરસાદ, શહેર બેટમાં ફેરવાયું, ક્યાંક દીવાલો ધરાશાયી, ગેસ-સિલિન્ડર્સ તણાયાં,

Social Share

નવસારીઃ શહેરમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે 12થી વધુ વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું હતું. સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. નીચાણવાળા વિસ્તારો સહિત ઘણાબધા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ નવસારીને મેધરાજાએ ધમરોળી નાખ્યું હતુ. 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. રોડ પર ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક ઘરોમાં પણ  ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે.  અનેક જગ્યાએ કાર તણાતી જોવા મળી હતી. તો અનેક જગ્યાએ દીવાલો ધરાશાયી થતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. ક્યાંક પિતાની નજર સામે પુત્ર તણાયો હતો. તો ક્યાંક માલિકની નજર સામે જ અનેક ગેસના સિલિન્ડરો તણાયા હતા.

નવસારી શહેરમાં આજે વહેલી સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતી ઉત્પન્ન થઈ હતી. નીચાણવાળા વિસ્તાર સહિત જ્યાં પાણી ન ભરાતા હતા તેવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરમાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, તંત્ર દ્વારા અનેક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. આ વચ્ચે શહેરના વિજલપોર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત થતાં અંતિમયાત્રા કંઇ રીતે કાઢવી એને લઇને સ્વજનો અટવાયા હતા. કારણ કે સ્મશાન જતાં તમાર્કરવાડી રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેને લઇને સ્વજનોને લારી પર અંતિમયાત્રા કાઢવી પડી હતી.

નવસારી શહેરના લુંસિકુઇ, જુનાથાણા, શહીદ ચોક, તીઘરા રોડ, સ્ટેશન સહિત સમગ્ર શહેરી વિસ્તારમાં પાણી ફરી વળતા ઘરો તેમજ દુકાનોમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા હતા. શહેરીજનોએ કદી ન જોયું હોય તેવું વરસાદી રોદ્ર સ્વરૂપ શનિવારે માત્ર ચાર કલાકમાં દ્રશ્યમાન થયું હતું. શહેરના શહીદ ચોકમાં હાલમાં ગણેશ પ્રતિમાઓનું વેચાણ શરૂ છે ત્યાં પાણી ભરાતા વેપારીઓ તાત્કાલિક ગણેશ પ્રતિમાઓને અન્યત્ર ખસેડવાનું શરૂ કર્યું હતું. એકા એક વરસેલા વરસાદને કારણે સૌ કોઈ વરસાદી પાણીમાં અટવાઈ ગયા હતા.

નવસારી શહેરમાં લાખોના ખર્ચે ઉનાળાની સિઝન દરમિયાન પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેના કોઈ જ સુખદ પરિણામો હાલ જોવા મળ્યા નથી. લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાતા પ્રિ-મોન્સુનની કામગીરનો છેદ ઉડ્યો છે. શહેરના લોકો પાલિકાની કામગીરીને વખોડી રહ્યા છે. લોકોને ભારે હાલાકીનો સમનો કરવો પડ્યો હતો. લોકોના વાહનો પણ ભારે વરસાદમાં બંધ પડી ગયા હતા તો બીજી તરફ લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. નવસારીના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નવસારી તાલુકા સહિત જિલ્લા માટે જીવા દોરી સમાન કેલિયા ડેમ 90 ટકા સુધી ભરાતા સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. ડેમ હાઈ એલર્ટ લેવલ સુધી પહોંચતાં ૨૩ થી વધુ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના અપવામાં આવી હતી. કેલિયા ડેમમાં કુલ 307.37 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. કેલિયા ડેમની સપાટી 112.55 મીટર સુધી પહોંચી, સાથેજ ડેમનું ઓવર ફ્લો લેવલ 113.40 મીટર, ડેમ ઓવર ફ્લો થવા માટે માત્ર 0.85 મીટર જેટલો બાકી રહ્યો છે. ડેમ ભરાઈ જતા એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ થયો છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના 23 ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.