Site icon Revoi.in

ગાંધીધામના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી કરોડો રૂપિયાનો 13 પેકેટ કોકેઈનનો જથ્થો પકડાયો

Social Share

ગાંધીધામ: કચ્છનો દરિયા કાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે કૂખ્યાત બની રહ્યો છે. સૌથી વધુ ડ્રગ્સ કચ્છમાંથી પકડાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસએ ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી 13 પેકેટ કોકેઈનનો જથ્થો બિનવારસી પકડી પાડ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોની ગણાય છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત એ.ટી.એસ.એ કોકેઈનના 13 પેકેટ ઝડપી પાડયા હતા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ 7થી 8 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે. એટીએસએ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. અહી નોંધનીય બાબત એ છે કે, અગાઉ સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાછળ આવેલી દરિયાની ખાડીમાંથી મળી આવેલા 80 કિલો કોકેઇનના પેકેટ અને મળી આવેલા બિનવારસી કોકેઈનના પેકેટમાં સમાનતા જોવા મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત એટીએસની ટીમએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  જેમાં કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ કોકેઇનના 13 જેટલા પેકેટ મળી આવ્યા હતા. ખારીરોહર ખાતેથી મળી આવેલા 13 પેકેટ અગાઉ મીઠીરોહર પાસેના દરિયાની ખાડીમાંથી મળી આવેલા 800 કરોડના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી. એ.ટી.એસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાં, પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કર્યા બાદ એફ.એસ.એલ. રિપોર્ટ માટે એફ.એસ.એલના અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. આ બાવળની ઝાડીની આસપાસ પણ સ્થાનિક પોલીસ દ્વારા અન્ય પેકેટો શોધવા માટે તપાસ હાથ ધરાઇ હતી. આ સીઝર અંગે એ.ટી.એસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં સતાવાર માહિતી જાહેર કરવામાં આવશે. (file photo)