- ગત વર્ષ કરતા 270 જર્જરિત ઈમારતો વધી
- મનપાએ જર્જરિત ઈમારતો અંગે નોટિસ પાઠવી
અમદાવાદઃ ગુજરાતના શહેરી વિસ્તારમાં અવાર-નવાર જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવે છે. દરમિયાન ચોમાસા પૂર્વે જ સુરત શહેરમં મનપા દ્વારા જર્જરિત ઈમારતોને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1392 જેટલી ઈમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા આવી ઈમારતોને નોટિસ આપવામાં આવી છે. સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં નોંધાઈ છે. એટલું જ નહીં મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. કોર્પોરેશને લીંબાયતમાં 20, ઉધનામાં 178, અઠવામાં 12, રાંદેરમાં 42, સેન્ટ્રલ ઝોનમાં 85 અને કતાર ઝોનમાં 43 બિલ્ડીંગોને દૂર કરવા માટે નોટીસ આપવામાં આવી છે. જ્યારે વરાછા એ-બી ઝોનમાં 33, લીંબાયતમાં 38, ઉધનામાં 7, અઠવામાં 14, રાંદેરમાં 11, સેન્ટ્રલ ઝોનમાં 204 જર્જરિત ઈમારતોને યોગ્ય સમારકામ માટે નોટિસ પાઠવવામાં આવી છે. ગયા વર્ષે સુરતમાં 1100થી વધારે જર્જરિત ઈમારતો હતી. જેની સરખામણીમાં આ વર્ષે જોખમી ઈમારતોની સંખ્યામાં વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં બિલ્ડીંગના સ્બેલ તુટવાની ઘટના બની હતી. જેમાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. ચોમાસામાં કોઈ જર્જરિત ઈમારતો તથા તેનો કેટલોક ભાગ ધરાશાયી ના થાય તે માટે મનપા ત્યારા કવાયત શરૂ કરવામાં આવી છે.