Site icon Revoi.in

રાજુલામાં મૃતકોના આધારકાર્ડમાં ચેડા કરી વીમા પોલિસી મેળવીને 14 કરોડનું કૌભાંડ પકડાયું

Social Share

અમરેલીઃ જિલ્લાના રાજુલામાં મૃતકોના આધાર કાર્ડમાં છેડછાડ કરી વીમા પોલિસી મેળવી 14 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ દ્વારા ફેક ડોક્યુમેન્ટના આધારે વીમાની તગડી રકમ મેળવવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. રાજુલા તાલુકામાં તથા આસપાસના જિલ્લાઓના ગામડામાં મૃતક વ્યક્તિઓના નામની માહીતી મેળવી તેમના કુટુંબી જનોનો સંપર્ક કરી તેઓને લોભ લાલચ અને પ્રલોભન આપી ભોળવીને  તેમની પાસેથી મૃતક સ્વજનનું  આધાર કાર્ડ મેળવી એમાં  છેડછાડ કરી નામ તથા ફોટામાં ફેરફાર કરી, ખોટુ આધારકાર્ડ બનાવી જે આધારે પાનકાર્ડ તથા બીજા જરૂરી ડોક્યુમેન્ટ બનાવી મરણ જનાર વ્યક્તિના નામે વીમાં પોલીસી મેળવી બોગસ દસ્તાવેજો રજુ કરી વીમો ક્લેમ મંજુર કરાવ્યા હતા.એટલું જ નહીં મૃતક વ્યક્તિઓના નામે બોગસ દસ્તાવેજો રજુ કરી વાહન લોન મેળવી વીમા કંપનીઓ સાથે પણ વિશ્વાસઘાત કરતા હતા

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  આરોપીઓ દ્વારા બોગસ આધાર કાર્ડ બનાવીને 31 મૃતકોના નામ પર 14 કરોડ રુપિયાની અલગ-અલગ 87 વીમા પોલિસી લઈ કરોડો રૂપિયાના ક્લેમ પાસ કરાવી લેવાના એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે, આરોપીઓએ ગજબનું ભેજું ચલાવીને 31 સરકારી અને પ્રાઈવેટ વીમા કંપનીઓને અંદાજે 14 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. રાજુલા પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ તપાસ શરૂ થતાં આ આખોય કાંડ બહાર આવ્યો હતો. પોલીસે પોતાને મળેલી ટીપના આધારે એક કારને ચેકિંગ દરમિયાન રોકી હતી, અને તેમાંથી મળેલા આધાર કાર્ડ સહિતના વીમા પોલિસીના દસ્તાવેજો ચેક કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ આધાર કાર્ડ બોગસ હતા, અને તેના આધારે વીમા પોલિસી લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હનુ પરમાર અને વનરાજ બલદાણીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે, આ બંને અમરેલી જિલ્લાના ડુંગર ગામના છે. આ બંને ભેજાબાજોએ ભાવનગરના ઉદયસિંહ રાઠોડ અને જીતેન્દ્ર પરમાર નામના વીમા એજન્ટો સાથે મિલીભગતથી આ આખુંય કૌભાંડ કર્યું હતું. આધાર કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો ઉભા કરીને આ ચારેય આરોપીઓએ અલગ-અલગ વીમા કંપનીઓમાંથી 87 વીમા પોલિસી લીધી હતી. આ તમામ પોલિસી એવા 31 લોકોના નામે લેવામાં આવી હતી કે જેઓના પહેલાથી જ મૃત્યુ થઈ ચૂક્યા હતા.

પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે,  આ કૌભાંડમાં બીજા પણ કેટલાક લોકો સંડોવાયેલા છે, જેમાં ફેક આધાર કાર્ડ બનાવવા માટે પોતાનો ફોટો આપનારા લોકો, વીમા એજન્ટો અને વીમા કંપનીના કર્મચારીઓ ઉપરાંત કેટલાક સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ લોકોને વીમો પાસ થાય તો તેમાંથી 10-15 ટકા જેટલું કમિશન આપવાની લાલચ આપવામાં આવતી હતી. વીમા કંપનીઓને ચૂનો લગાવીને ઠગોની આ ગેંગ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી, પોલીસે તેમની પાસેથી 5 મોંઘીદાટ કાર, નવ બાઈક અને 52 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. તેમણે જે મોંઘી ગાડીઓ અને બાઈક ખરીદ્યા હતા તે પણ મૃતકોના નામે જ ખોલાવાયેલા બેંક અકાઉન્ટ્સ પર લોન લઈને જ ખરીદાયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.