નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી જતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. 73 વર્ષીય ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય તબીબી સુવિધા પૂરી પાડવા માટે વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખીને ભાવુક અપીલ કરી છે.
આ પત્રમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ઇમરાન ખાન માટે અવાજ ઉઠાવનારા 14 દિગ્ગજોમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોના કેપ્ટનો સામેલ છે, પરંતુ એક પણ પાકિસ્તાની પૂર્વ કેપ્ટનનું નામ આ યાદીમાં નથી. ભારત તરફથી મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને કપિલ દેવએ આ પત્ર પર હસ્તાક્ષર કરીને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ પત્ર લખનારાઓમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સ્ટીવ વો, ક્લાઈવ લોયડ, ગ્રેગ ચેપલ, એલન બોર્ડર, માઈકલ એથરટન અને નાસિર હુસૈન જેવા મોટા નામોનો આમાં સમાવેશ થાય છે.
પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “ઇમરાન ખાન વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડરોમાંના એક છે. હાલમાં જેલમાં તેમની સાથે થઈ રહેલો વ્યવહાર અને તેમના સ્વાસ્થ્યના અહેવાલો અત્યંત ચિંતાજનક છે. ખાસ કરીને તેમની આંખોની દ્રષ્ટિ નબળી પડી રહી હોવાના સમાચારથી અમે વ્યથિત છીએ.” જેથી ઇમરાન ખાનને તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે. કસ્ટડી દરમિયાન તેમની પરિસ્થિતિ માનવીય અને ગરિમાપૂર્ણ હોવી જોઈએ. 1992ના વર્લ્ડ કપ વિજેતા નેતાને તેમની જરૂરિયાત મુજબની તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવે.
ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમના સમર્થકો સતત તેમની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. હવે જ્યારે વિશ્વના દિગ્ગજ ક્રિકેટરોએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે, ત્યારે પાકિસ્તાન સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા છે. જોકે, પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરોની ચુપકીદી રમતગમત જગતમાં ચર્ચાનો વિષય બની છે.

