Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની જેમ કૂતરાઓનો પણ ત્રાસ વધ્યો, મહિનામાં 1430 લોકોને કૂતરા કરડ્યાં

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. ડોગ બાઈટના બનાવોમાં વધરો થયો છે. એક મહિનામાં 1430 લોકોને કૂતરા કરડતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ આંકડો સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ ત્રણ મહિના પહેલા જ શહેરના અજરામર ટાવરથી આર્ટસ કોલેજ સુધીના વિસ્તારમાં એક હડકાયા કુતરાએ 100થી વધુ લોકોને બચકા ભર્યા હતા. ત્યારબાદ પણ નગરપાલિકાએ કોઈ પગલાં લીધા નથી.

શહેરની સિવિલ હોસ્પિટલમાં નોંધાતા કેસ મુજબ સુરેન્દ્રનગર શહેરમાં દરરોજના સરેરાશ 50 લોકો શ્વાનના શિકારનો ભોગ બને છે. આ અહેવાલ માત્ર સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલના આંકડા બતાવે છે. આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને બીજી હોસ્પિટલોના આંકડા ઉમેરવામાં આવે તો કુતરા કરડવાના કેસની સંખ્યા ખુબ મોટી થઇ શકે છે. કુતરા કરડતા ઘાયલ દર્દીઓની સારવાર માત્ર સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં જ કરવામાં આવે છે. જેમાં એક મહિનામાં સુરેન્દ્રનગર,જોરાવરન ગર,રતનપર અને વઢવાણના 1430 લોકોને રખડતા શ્વાનો દ્વારા બચકા ભર્યા છે. કુતરા કરડવાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે મહત્વની બાબત એ છે કે નગરપાલિકા તંત્ર પાસે હડકાયા કુતરા કે રખડતા શ્વાન પકડવા માટેની કોઈ ટીમ કે વ્યવસ્થા જ નથી. દરરોજના સરેરાશ 50 લોકોને કુતરા કરડી રહ્યા છે ત્યારે કુતરાનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યામાં થતો ચિંતાજનક વધારો દર્શાવે છે કે હવે તંત્રે આ અંગે નક્કર પગલા લઇ રખડતા ઢોરોની જેમ રખડતા કુતરાઓ માટે પણ ટીમ બનાવીને લોકોને શ્વાનોના આતંકમાંથી મુક્તિ અપાવવી જોઈએ.