Site icon Revoi.in

વિદેશમાં કન્ટેનર્સને 15 દિવસ કોરોન્ટાઈન કરવાના નિયમથી ભારતના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરના આયાત-નિકાસકારોને કોરોનાના કાળમાંથી માંડ મુક્તિ મળી ત્યાં કન્ટેનરની ખેંચ સતાવી રહી છે. હાલ આયાત-નિકાસકારો માટે કન્ટેનર મેળવવાનું પડકારરૂપ બન્યુ જ છે. હવે ફરી વખત  હાલત ખરાબ થવા લાગી છે. કોરોનાના કેસો વધવા લાગતા અમેરિકા, ચીન સહિતના દેશોએ હવે કન્ટેનરોને પણ 15 દિવસ માટે કવોરન્ટાઈન કરવાનું શરૂ કરી દેતા વધુ એક વખત આયાત-નિકાસકારોને સમસ્યા વધવાના  ભણકારા છે. સાથોસાથ મોંઘવારી વધવાનું જોખમ સર્જાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સહિત વિશ્વભરનાં આયાત-નિકાસકારો લાંબા વખતથી કન્ટેનરોની અછતથી પરેશાન હતા. ધરખમ ભાડા વધારો થવા છતા સમયસર કન્ટેનર મળતા ન હતા. વેપાર ધંધામાં વિવાદો ઉત્પન્ન થવા લાગ્યા હતા. હવે ફરી વખત સમાન પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે.છેલ્લા કેટલાંક દિવસોથી અમેરિકા-ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.આ રાષ્ટ્રોએ માલ ભરીને આવતા કન્ટેનરોને 15 દિવસ માટે કવોરન્ટાઈન કરવાનું શરૂ કરી દીધુ છે. અર્થાત કન્ટેનરનો નવેસરથી ઉપયોગ પંદર દિવસ પછી કરવામાં આવે છે. આ સંજોગોમાં કન્ટેનરો મળવામાં ઢીલ થવા લાગી છે. ચીન, અમેરિકા, સહિતના દેશોમાં કન્ટેનરો પહોંચ્યા પછી 15 દિવસ સુધી ખાલી કરવા પર પ્રતિબંધ લાગુ થયો છે. બીજી તરફ ચીનમાં પોર્ટનાં કેટલાંક કર્મચારીઓ સંક્રમિત થવાને પગલે બે બંદર બંધ કરી દેવામાં આવ્યા છે. કન્ટેનરોની સમસ્યાથી વિદેશી ગ્રાહકોને સમયસર માલ ન મળતા દંડ-પેનલ્ટી લાગવાનો ખતરો છે.

આયાત-નિકાસકારોના કહેવા પ્રમાણે ભારતમાં કોરોના કાબુમાં આવ્યાને પગલે જુદા જુદા દેશો સાથે વ્યાપાર વ્યવહાર વધવા લાગ્યા છે. અગાઉ માલ મોકલી દેવાયો છે ત્યાં પણ ઉતરવામાં મોડુ થઈ રહ્યુ છે.પરિણામે માલ લઈને ગયેલા કન્ટેનરો અટવાઈ ગયા છે. કન્ટેનરોની અછતને કારણે નિકાસકારો ફેકટરીઓમાંથી તૈયાર માલ ઉપાડી શકતા નથી. માલ ભરાવાને કારણે કારખાનાઓને પણ નવા ઉત્પાદનમાં તકલીફ થઈ રહી છે. જાણકારોનાં કહેવા પ્રમાણે આયાત-નિકાસમાં ઢીલને પગલે આવશ્યક ચીજો પહોંચવામાં વિલંબ થતો હોવાના કારણોસર માલની ખેંચ અને તેના પરીણામે મોંઘવારીને ખતરો પણ છે. ભારતમાં આયાત-નિકાસકારોને કન્ટેનરની મુશ્કેલીને પગલે હવે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે. અછત દુર થાય તેવી સ્થિતિ સર્જવા માટે કેબીનેટ સચિવે જુદા જુદા વિભાગો સાથે બેઠક કરી હતી. ટેકસટાઈલ મંત્રી પિયુષ ગોયલે પણ બેઠક કરીને વહેલીતકે યોગ્ય માર્ગ શોધવાનું આશ્વાસન આપ્યું હતું. તેઓએ કહ્યું કે કન્ટેનર ખાનગી ક્ષેત્રનો મુદ્દો છે.છતાં વેપાર ધંધાનાં હિતમાં શીપીંગ ઉદ્યોગ સાથે બેઠક કરીને કોઈ માર્ગ કાઢશે.