Site icon Revoi.in

અમદાવાદના એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા 160 પ્રવાસીઓ રઝળી પડ્યાં

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાતા ફ્લાઈટ રોકી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ખામી દુર કરાયા બાદ પ્રવાસીઓ ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં પાઈલટની ડ્યુટી પુરી થતી હોવાથી ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નહતી, દરમિયાન રન વે પણ બંધ કરવાનો સમય થતાં 160 જેટલા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. 12 કલાક બાદ ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી અમદાવાદ આવ્યા પછી ટેકનિકલ ખાર્મી સર્જાઈ હતી અને એ પછી પાઈલટની ડ્યૂટીના કલાકો પૂરા થઈ ગઈ હતા. આ જ સમયે રન-વે પણ બંધ કરવાનો સમય થતાં અમદાવાદથી દિલ્હી જતાં 160 પેસેન્જરો રઝળી પડતાં પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટમાં અમેરિકા, કેનેડા, લંડનના કનેક્ટિંગ પેસેન્જર હોવાથી તેઓ આગળની ફ્લાઈટ ચૂકી ગયા હતા. આમ સવારે 8 વાગ્યાની ફ્લાઈટ છેક રાત્રે 8 વાગ્યે દિલ્હી ગઈ હતી.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીથી અમદાવાદ સવારે 10 વાગે ફ્લાઈટ લેન્ડ થયા બાદ પાઈલોટે ચેક કરતા એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાવ્યું હતું. ટેકનિશિયનોએ ખામી દૂર કરતાં 11 વાગ્યે રન-વે બંધ થઈ ગયો હતો અને 3 વાગ્યે રન-વે ખુલે તે પહેલાં જ પાઈલટની ડ્યૂટીના કલાકો પૂરી થઈ જતાં ફ્લાઈટ રદ કરવી પડી હતી. એરલાઈન તરફથી અન્ય કોઈ ફ્લાઈટનો વિકલ્પ ન અપાતા પેસેન્જરોએ 12 કલાક સુધી ટર્મિનલમાં જ બેસી રહેવું પડ્યું હતું.

એર ઇન્ડિયાની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટમાં મંગળવારે સાંજે ખામી સર્જાતાં ગ્રાઉન્ડ કરવી પડી હતી. જેના કારણે 170 પેસેન્જર હેરાન થયા હતા. પેસેન્જરને એરલાઇન કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતા હોબાળો થયો હતો. જ્યારે ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે અનેક ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા.