Site icon Revoi.in

ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ પરીક્ષા માટે 17001 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

Social Share

અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી  ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગત તા. 6 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. જેની મુદત પૂર્ણ થતાં કૂલ 17 હજાર વિદ્યાર્થીઓએ ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2500 વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે  રાજ્ય બહારના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રવેશ સમિતિની સૂત્રોના જણાવ્યા મુજબ ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એન્ટ્રસ ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટ માટે પ્રથમ વખત વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા હતા.ગત તા. 6ઠ્ઠી ફેબ્રુઆરીથી 11 મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જ્યાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં કુલ 17658 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 17001 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કન્ફોર્મ કરાવ્યું હતું. આ વિદ્યાર્થીઓમાં ગુજરાત બહારના અન્ય રાજ્યોના 594 વિદ્યાર્થીઓ પણ છે. ગત વર્ષે 14204 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે 2500થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટેની નવી પ્રવેશ પરીક્ષાના માર્ગદર્શન હેતુ સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન આપવા અને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સબંધિત માહિતી પૂરી પાડવા 15 દિવસમાં 50 સેમિનાર યોજવામાં આવ્યા હતા. રાજ્યની 16 સરકારી એન્જિનિયરિંગ, 3 સરકારી અને ગ્રાન્ટેડ અને 120 ખાનગી કોલેજની આશરે 40 હજાર ડીગ્રી એન્જિનિયરિંગ બેઠક માટે અને 3 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 90 ખાનગી કોલેજની આશરે 2400 ફાર્મસીની બેઠક પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.