Site icon Revoi.in

20 હજાર લાખ ઘનફુટ જળસંગ્રહ વધારવા 18590 જળસંચયના કામ હાથ ધરાશેઃ રૂપાણી

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ હતુ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે દરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય તેવી અપિલ કરૂ છું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે,રાજ્યના દરેક ખેડૂતના કલ્યાણ માટે ચિંતિત રાજ્ય સરકારે છેવાડાના ખેડૂતની સુખાકારી માટેનું આયોજન કર્યુ છે. છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનમાં 42 હજાર લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ વર્ષે સુજલામ સુફલામ અભિયાનના ચોથા ચરણમાં સમગ્ર રાજ્યમાં 18582  જેટલા કામો જનભાગીદારીથી હાથ ધરી 20 હજાર લાખ ઘનફૂટ વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેની વિશદ ભૂમિકા આપી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, કાંસની સાફસફાઇ દ્વારા નદીઓ પૂન: જિવીત કરી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવવાની દિશામાં સરકારના પ્રયત્ન કરી રહી છે. પાણી એ પારસમણિ છે અને પાણીના દરેક ટીંપાનો સુવ્યવસ્થિત અને સુનિયોજીત ઉપયોગ કરવા રીચાર્જ, રીયુઝ અને રીડ્યુસની નીતિ સાથે રાજ્યને પાણીદાર બનાવવાના અનેકવિધ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ સહસ્ત્રલીંગ તળાવ, રાણકીવાવ જેવા પૂરાતન જળસંચય સ્ત્રોતની વિરાસત જેમ જ વર્તમાન સમયમાં નદી, તળાવો, ચેકડેમવગેરેની સાફ-સફાઇ, ડિસીલ્ટીંગના કામોથી ઉમંગ ઉત્સાહથી આગળ ધપાવી ચોમાસાના આગમનના સ્વાગત માટે આ જળ અભિયાનમાં સૌ જોડાય તેવી અપિલ પણ આ તકે કરી હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેત તલાવડીઓ બનાવી જળસંચયનું અભિયાન હાથ ધર્યું હતું. તે જ રીતે રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા લોકભાગીદારીથી વર્ષ 2018થી શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન-2021નો આજે ગુરૂવારે શુભારંભ કરવામાં આવ્યો હતો