Site icon Revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામો જળબંબાકાર

Social Share

ભરૂચમાં જળબેબાકારની સ્થિતિ,

# ભરૂચ, અંકલેશ્વર, હોંસોટ, વગેરે વિસ્તારોમાંથી 5744 લોકોને સ્થળાંતરિત કરાયા

ચાણોદમાં 1 કિલોમીટર નર્મદાના પાણી ઘૂંસ્યા, મલ્હારરાવ ઘાટનાં પગથિયાં પાણીમાં ગરકાવ

 અમદાવાદઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક કરતા વધુ પાણી પાણી છોડવામાં આવતાં નદી કિનારેના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થવાને કારણે લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર મોડી રાત્રે પણ સતર્ક બની રેસ્ક્યૂની કામગીરીમાં જોતરાઇ ગયું હતું. આખું ચાણોદ પાણીમાં ગરકાવ થયું હતુ. નર્મદાના નીર કિનારાથી ગામમાં 1 કિલોમીટર અંદર ઘુસી આવ્યા હતા. કાંઠે લાંગરેલી હોડીઓ ગામમાં રમકડાની બોટની જેમ ફરવા લાગી છે. નદીની નજીકના વિસ્તારમાં 2 માળ સુધી પાણીમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં 12 ફૂટ જેટલુ પાણી ભરાય ગયું હતું. લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે. સરકારે રાહત કામગીરી હાથ ધરી છે. એનડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડામાંથી 2317 લોકો અને ભરૂચ, અંકલેશ્વર, હોંસોટ, વગેરે વિસ્તારોમાંથી 5744 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જોકે રવિવારે સમીસાંજે નર્મદા ડેમમાં પાણીની આવકમાં 1,08,467 ક્યુસેસકનો ઘટાડો નોંધાયો છે. એટલે સરકારને પણ રાહત થઈ છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલાતા સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 1,45,000 ક્યુસેક પાણી શનિવારે નદીમાં છોડવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ડેમમાં સતત પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 13.42 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારેના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થવાને કારણે લોકોને તાકીદે સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર મોડી રાત્રે પણ સતર્ક બની રેસ્ક્યૂની કામગીરીમાં જોતરાઇ ગયું હતું. નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદીના કિનારે આવેલ વડોદરા જિલ્લાના તીર્થધામ ચાણોદની બજારોમાં પાણી ઘૂસી ગયાં છે. નદી કિનારાનાં 50થી 60 ઘરના એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે અને બીજા માળ સુધી પાણી પહોંચી ગયા છે. જેના કારણે લોકોએ ઘરોમાંથી સ્થળાંતર કરવું પડ્યું છે. આ ઉપરાંત ચાણોદના મુખ્ય બજારની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ચાણોદમાં પાણી ઘૂસી જતાં નગરમાં નાવડીઓ ફરતી થઈ ગઈ છે. ઐતિહાસિક મલ્હારરાવ ઘાટનાં તમામ પગથિયાં હાલ પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. અને નર્મદા નદી કાંઠાના કરનાળી, ચાણોદ, નંદેરિયા અને ભીમપુરા સહિતનાં ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આવેલું નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક આવેલું વરવાડા ગામ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. નર્મદાના માંગરોળ ગામમાં ફસાયેલા 40 જેટલા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. SDRF બાદ હવે NDRFની ટીમો કામે લાગી ગઈ છે. NDRFએ વાઇબ્રન્ટ વેવ્ઝ ઇન્ટરનેશન એકેડેમીમાં ભણતા 10 જેટલા બાળકોને બચાવી લેતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજુ 15 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સાધુઓ આશ્રમમાં ફસાયેલા છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર થઇ ગયુ છે. રવિવારે સવારે છ કલાકે નર્મદા નદીનું જળસ્તર 28.21 ફૂટ નોંધાયું હતું. નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. શહેરના દાંડીયા બજાર વિસ્તાર કે જ્યા લોકોની સતત અવન-જવન શરૂ રહેતી હતી, ત્યા અત્યારે સુનકાર જોવા મળી રહી છે. આખા દાંડિયા બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાય ગયા છે. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારમાં અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ વેપારીઓને નુકસાન થયું છે. ફુરજા વિસ્તારની અંદર પણ દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ હાલાકી વેઠવી પડી હતી, તો ભરૂચના સ્મશાન રોડ ઉપર પણ પાણી ભરાવાથી લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

જિલ્લા કલેકટર શ્વેતા તેવતીયા ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાની મામલતદાર નાંદોદ સહિત પોલીસ ની ટીમો ખડેપગે આખી રાત લોકો ને સ્થળાંતર કરવામાં લાગ્યા હતા જેના પગલે પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાની સહિતની ટીમે નાંદોદ ગરૂડેશ્વર ખાતે ગભાણા વિસ્તારના 75 લોકોને સ્થળાંતરિત કરી તેમને ગરૂડેશ્વર તાલુકા પંચાયત કચેરીમાં રાખવામાં આવ્યાં હતાં.

ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારને પુરની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેર કાનુન્ગો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.