Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 19326 વાહનો ચોરાયા, 1005 વાહનોને પોલીસે શોધી કાઢ્યાં

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં વાહનચોરીના બનાવોમાં વધારો થતો જાય છે. છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રિક્ષા, સ્કુટર, મોટરસાયકલ અને ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી પોલીસને ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા 10055 જેટલા વાહનોને શોધી કાઢવામાં આવ્યા હતા, જયારે હજુ 9271 વાહનોનો કોઈ અતોપતો જ નથી. રાજયમાંથી 1લી એપ્રિલ, 2020થી 31મી માર્ચ 2023 સુધીમાં 891 મોટરકાર, 1046 પેસેન્જર રિક્ષા, 54 લોડીંગ રિક્ષા, 34 છકડો, 2593 સ્કુટર, 14329 મોટરસાયકલ, 181 મીની ટ્રક અને 198 મોટી ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી થઈ હતી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાહનચોરીની 19326 ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે તપાસ કરીને 418 મોટરકાર, 683 પેસેન્જર રિક્ષા, 34 લોડીંગ રીક્ષા, 26 છકડા, 1557 સ્કુટર, 7131 મોટરસાયકલ, 107 મીની ટ્રક અને 99 મોટી ટ્રક મળીને કુલ 10055 વાહનોને શોધી નાંખવામાં આવ્યા છે. આ શોધાયેલા વાહનોમાંથી 9389 વાહનો તેના માલિકોને સુપરત કરવામાં આવ્યા છે. જયારે હજુ પણ 666 વાહનોના માલિકોને શોધવાના બાકી છે. તેમજ ચોરાયેલા  9271 વાહનોને શોધવાના બાકી રહ્યા છે. જેમાં 473 મોટરકાર, 363 પેસેન્જર રિક્ષા, 20 લોડીંગ રિક્ષા, 8 છકડો, 1036 સ્કુટર, 7198 મોટરસાયકલ, 74 મીની ટ્રક અને 99 મોટી ટ્રકનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજયના ગૃહ વિભાગ દ્વારા ગુનો જાહેર થતાં જ ચોરી બાબતે તમામ પોલીસ સ્ટેશનને વોચમાં રહેવા માટે ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે. નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવે છે તેમજ બનાવ સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા હોય તો ફુટેજ પણ ચેક કરાય છે. ખાનગી રાહે બાતમીદારોને વોચ રાખવા તેમજ આરોપીઓ તથા મુદામાલ શોધવા માટે સંભવત: તમામ પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના કાર્યરત નેત્રમ અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ચોરાઈ ગયેલા વાહનોના રજીસ્ટ્રેશન નંબરોને એલર્ટ પર રાખવામાં આવે છે.

 

Exit mobile version