Site icon Revoi.in

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં

Social Share

સુરતઃ  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ પર રખાયા છે. મોડી રાતે સુરતમાં હળવા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 2.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે ઉકાઈ ડેમમાં ગુરૂવારે સવારે 10 વાગ્યથી 1,73,664 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમમાં પાણીની આવક 1,15,983 ક્યુસેકની નોંધાય છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી બાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 334.67 નોંધાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી વધુ માત્રામાં પણ છોડવામાં આવી શકે તેવી શક્યતાને બદલે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સુરતના નિચાણવાળા અને તાપી કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઈપણ સ્થિતિમાં પહોંચી વળાય એવી તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 10:00 વાગ્યા સુધીમાં ઉધના ઝોનમાં 31 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કતારગામ ઝોનમાં 20 અને વરાછા ઝોનમાં 16 તથા સેન્ટ્રલ ઝોનમાં 17 મીમી વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.