Site icon Revoi.in

ગાંધીનગરમાં ધારાસભ્યોના અદ્યત્તન આવાસો બનાવવા 200 વૃક્ષો કપાશે,પર્યાવરણવિદોનો વિરોધ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના ધારાસભ્યો માટે ગાંધીનગરમાં અદ્યત્તન આવાસો બનાવવાનો ભાજપની સરકારે નિર્ણય લીધા બાદ સેક્ટર 17માં એમએલએ ક્વાટર્સ બનાવવા 200 જેટલાં લીલાછમ વૃક્ષો કાપવા પડે તેમ છે, કહેવાય છે. કે મંત્રીના દબાણથી વન વિભાગે 200 લીલાછમ વૃક્ષો કાપવાની મંજુરી આપી દીધી છે. તેથી પર્યાવરણવિદોમાં વિરોધ ઊભો થયો છે. એક જમાનામાં લીલુછમ ગણાતું પાટનગર ગાંધીનગર હાલ કોંક્રિટનું જંગલ બનતું જાય છે. તેના લીધે ઉનાળામાં રેકર્ડબ્રેક ગરમીનો સામનો કરવો પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં સેક્ટર-17 ખાતે ધારાસભ્યો માટે બની રહેલાં આવાસોમાં 200 જેટલા વૃક્ષો કાપવામાં આવશે. ત્યારે આ મુદ્દે પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરાઈ છે કે, વિકાસ થાય તે ખૂબ જ સારી બાબત છે પણ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢીને વિકાસ થાય તે પણ યોગ્ય લાગતું નથી. આ વિકાસ આવનારી પેઢી માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. આ સાથે શહેરના પ્રકૃતિ પ્રેમીઓની લાગણીને પણ જાણી જોઈને ઠેર પહોંચવામાં આવી રહી છે. લેખિત રજૂઆતમાં માંગણી કરાઈ છે કે વન વિભાગ દ્વારા વૃક્ષની ઓછી કિંમત આંકવાને બદલે સાચી કિંમત આંકે, વન વિભાગ પાસે પડેલા વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ મશીન વર્ષોથી પડેલ છે, જે દરેક જગ્યાએ ઉપયોગ થાય. ગેરકાયદે વૃક્ષ કાપણી માટે 5 વર્ષની જેલની જોગવાઈ કરવા પણ માંગ ઉઠી છે.

ગાંધીનગરમાં ધારાસભ્ય આવાસ માટે કપાતા વૃક્ષો સામે 10000 વૃક્ષો માટે ધારાસભ્યો સામે આવી પોતાની ગ્રાન્ટમાંથી  ફરી ગાંધીનગરને ગ્રીનસિટી બનાવવાની જાહેરાત કરાય તેવી માંગણી પ્રકૃતિ રક્ષા અભિયાન દ્વારા કરાઈ છે. આગામી પેઢીને પ્રાણવાયુ લેવા વલખાં મારવા પડશે તો તેવા વિકાસ કેટલો યોગ્ય લેખાશે તે બાબતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માંગ કરાઈ છે. એક તરફ ગ્રીન ગાંધીનગરની વાત થાય છે તો બીજી તરફ વૃક્ષો કપાય છે. જેથી રોષ ફેલાયો છે. (file photo)

Exit mobile version