Site icon Revoi.in

22 બિલીયન યુ.એસ. ડોલર જેટલું FDI 20-21ના વર્ષમાં ગુજરાતને મળ્યું : વિજય રૂપાણી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડીયાથી વિડીયો કોન્ફરન્સના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સ દરમ્યાન સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે ચર્ચા કરી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ 2019માં યોજાયેલી આ પ્રકારની ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વાલ્દમિર પૂતિને રિજીયોનલ કોલોબરેશન-પ્રાદેશિક સહયોગ પર વિશેષ ઝોક આપ્યો હતો. રશિયાના ફાર ઇસ્ટ પ્રદેશો સાથેના ભારતના જોડાણને વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે પીએમ મોદીએ ‘એકટ ફાર ઇસ્ટ’ની જે નીતિ ઘડી છે તેમાં ગુજરાતને પણ જોડાવાનું ગૌરવ મળેલું છે.  2019માં ગુજરાત અને સખાયા વચ્ચે બિઝનેસ કો-ઓપરેશનના MoU પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ MoU સંદર્ભમાં થયેલી ગતિ-પ્રગતિને પ્રવર્તમાન કોરોના મહામારીને પરિણામે અસર પહોચી છે. ગુજરાત 224 બિલીયન યુ.એસ. ડોલરના જી.ડી.પી સાથે કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ, સિરામીક, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્ષટાઇલ અને એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં દેશભરમાં ટોચના સ્થાને છે.  એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નીતિના સફળ અમલીકરણથી ગુજરાત ઔદ્યોગિકરણમાં દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં વિવિધ ઊદ્યોગોની ૮૦૦ જેટલી વિશાળ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ૩પ લાખથી વધુ MSME કાર્યરત છે. 20-21ના વર્ષમાં ગુજરાતે દેશભરમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ એફ.ડી.આઇ મેળવવાની સિદ્ધિ સાથે 21.89 બિલીયન યુ.એસ.ડોલરનું એફ.ડી.આઇ મેળવેલું છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.  મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં સખા-યાકુત્યાના વેપાર-ઊદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળ સાથે સહભાગી થવા એઝિન નિકોલાઇને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

Exit mobile version