Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીને લીધે રાજકોટ રેન્જમાંથી 228 આરોપીઓને પાસામાં ધકેલાયાઃ 449 તડીપાર

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય ત્યારે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રને અસામાજીક તત્વો સામે કડક પગલા લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના  આઈજી અશોક યાદવની સૂચનાથી 5 જિલ્લામાં પોલીસે અસામાજીક તત્વો પર એક્શન લીધું છે. જે અંતર્ગત 228 શખ્સોને પાસા હેઠળ ધકેલી દીધા અને 449 શખ્સોને તડીપાર કરી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે રાજકોટ રેન્જ હેઠળ આવતા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડાઓને અસામાજીક તત્વો પર ખાસ ઝૂંબેશ કરવા સુચના આપી હતી. છેલ્લા એક મહિનામાં રાજકોટ રેન્જમાંથી 228 શખ્સોની પાસા હેઠળ અટકાયત થઈ છે. જેમાં સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં 70, સુરેન્દ્રનગરમાં 60, જામનગરમાં 51, દેવભૂમિ દ્વારકામાં 25 અને મોરબીમાં 22 શખ્સો પાસા હેઠળ ધકેલાયા હતા. જેમાં 449 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યના 158, સુરેન્દ્રનગરના 124, જામનગરના 86, મોરબીના 51 અને દેવભૂમિ દ્વારકાના 30 શખ્સોનો સમાવેશ થાય છે. જ્યારે અટકાયતી પગલામાં સુરેન્દ્રનગરમાં 15, 245, રાજકોટ ગ્રામ્યમાં 13, 508, જામનગરમાં 6, 696, મોરબીમાં 6,166 અને દેવભૂમિ દ્વારકામાં 5, 650નો સમાવેશ થાય છે. ઉપરાંત રાજકોટ રેન્જમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર હથિયારો સામે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી આઠ હથિયારો મળી આવ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરમાંથી છ હથિયાર બે કાર્ટિસ, રાજકોટ ગ્રામ્યમાંથી છ હથિયાર બે કાર્ટિસ, જામનગરમાંથી બે હથિયાર અને દ્વારકામાંથી એક હથિયાર મળી આવતા પોલીસે કુલ દેશી તમંચા અને પિસ્તોલ મળી 20 હથિયારો અને 8 કાર્ટિસ કબ્જે કર્યા હતા.રાજકોટ રેન્જમાંથી જૂદા-જૂદા ગુનામાં નાસતા ફરતા 39 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.