Site icon Revoi.in

અમદાવાદમાં IPL મેચને લીધે સરદાર પટેલ એરપોર્ટ પર એક સાથે 25 ચાર્ટડ પ્લેન પાર્ક થયાં,

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. છેલ્લા બે મહિનામાં જ 1000થી વધુ ખાનગી ચાર્ટડ પ્લેનએ ઊડાન ભરી હતી. સાથે વિદેશી પ્રવાસીઓનું આવા-ગમન પણ વધી રહ્યું છે. જેમાં લીધે એરપોર્ટ 24 કલાક પ્રવાસીઓથી ધમધમતું જોવા મળી રહ્યુ છે, દરમિયાન અમદાવાદમાં આઈપીએલ મેચને કારણે રવિવાર અને આજે સોમવાર એમ બન્ને દિવસ 25 જેટલા ચાર્ટડ પ્લેન પાર્ક થયાં હતા. રવિવારે તો એરપોર્ટ પર પાર્કિંગ માટેની જગ્યા જ ન રહેતા કેટલાક પ્લેનને વડોદરા અને જયપુર ડાયવર્ટ કરાયા હતા.

અમદાવાદના એસવીપી એરપોર્ટના સૂત્રોના કહેવા મુજબ ગુજરાત અને ચેન્નઈ વચ્ચેની ફાઈનલ મેચ જોવા રવિવાર સવારથી જ અમદાવાદના એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ શરૂ થઈ હતી. બંને ટીમના સ્પોન્સર્સ અને સેલિબ્રિટીઝ સહિત બિઝનેસમેન સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 25 ચાર્ટર્ડ વિમાનમાં એરપોર્ટ પર લેન્ડ થયા હતા.. આથી અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ ફુલ થઈ જતાં આ વિમાનોને વડોદરા, નાસિક, જયપુર એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલવા ફરજ પડી હતી. રવિવારે વરસાદને કારણે મેચ મુલત્વી રહેતા અને આજે સોમવારે મેચ રમાવવાની હોવાથી ચાર્ટડ પ્લેન પાર્કિંગમાં કોઈ ઘટાડો થયો નહતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ચેન્નઈ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસન, મુંબઈના મોટા બિઝનેસમેન તેમજ નાસિક, મુંબઈ મધ્ય પ્રદેશ અને દિલ્હી ક્રિકેટ એસોસિએેશનના સભ્યો પ્રાઇવેટ જેટ બુક કરીને આવ્યા હતા. જ્યારે બોલીવૂડના સ્ટાર વિકી કૌશલ અને સારા અલી ખાન પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુંબઈથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. આમ એરપોર્ટ પર ચાર્ટર્ડ વિમાનોને પગલે ડોમેસ્ટિક એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઈ જતા કેટલાકને ઇન્ટરનેશનલ ખાતે પાર્ક કરાયા બાદ ત્યાં પણ પાર્કિંગ ફૂલ થઈ જતા પાંચ જેટલા વિમાનોને વડોદરા, નાસિક અને જયપુર એરપોર્ટ મોકલાયા હતા. દેશના જુદા જુદા શહેરોમાંથી આઇપીએલની ફાઇનલ મેચ જોવા આવેલા બંને ટીમોના સ્પોન્સર્સ દ્વારા ચાર્ટર્ડ બુક કરવામાં આવ્યા હતા. આમ ચાર્ટર્ડ ભાડે આપતી વિવિધ કંપનીઓનો એક જ દિવસનો બિઝનેસ પણ ચાર કરોડને પાર કરી ગયો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર  25થી વધુ ચાર્ટર્ડ વિમાનોના પાર્કિગની ક્ષમતા છે, પરંતુ એરપોર્ટ પર ઘણા બિઝનેસમેનના જેટ પાર્ક થયેલા હોવાથી જગ્યાનો અભાવ હોય છે. જેથી આઈપીએલ કે વાઇબ્રન્ટ હોય ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જગ્યા ન મળતા બીજા એરપોર્ટ પર પાર્ક કરવા પડે છે.