Site icon Revoi.in

યુપી-ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, અત્યાર સુધીમાં 28 લોકોના થયા મોત

Social Share

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂનો કેર જોવા મળ્યો છે. ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે. આવા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે.

સહારનપુર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 11 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લગભગ દશ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. લઠ્ઠાકાંડને કારણે મોતના પગલે આખા વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. માહિતી મળવાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને આખા ઘટનાક્રમની જાણકારી પણ મેળવી છે.

મીડિયા અહેવાલો મુજબ, આ તમામ લોકોના મોત દારૂ પીવાને કારણે થયા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યુ છે કે ઝેરી દારૂ પીવે કારણે મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસ અધિકારીએ પણ ઘટનાસ્થળે અને આસપાસના લોકોની પાસેથી આખા મામલાની જાણકારી મેળવી છે. તો મૃતકોના પરિવારજનો દ્વારા પણ લઠ્ઠાકાંડ સામે આક્રોશ વ્યક્ત કરાયો છે.

સહારનપુરના નાગલ ક્ષેત્રના ગામ ઉમાહીમાં દારૂના સેવનને કારણે જીવ ગુમાવનારાઓમાં 48 વર્ષીય ઈમરાન, 32 વર્ષીય પિન્ટૂ, 32 વર્ષીય કમરપાલ અને 30 વર્ષીય અરવિંદ હોવાનું જણાવવામાં આવે છે. લઠ્ઠાના સેવનને કારણે અન્ય દશ લોકોની સ્થિતિ બેહદ ગંભીર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. એસએસપી દિનેશ કુમારને ટાંકીને આવી રહેલા અહેવાલમાં પિન્ટૂ નામના યુવક દ્વારા ગુરુવારે બહારથી ગામમાં દારૂ લાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે આના સંદર્ભે તપાસ શરૂ કરી છે.

આ સિવાય ગાગલહેડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ શરબતપુરમાં પણ ઝેરી દારૂના સેવનને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સલેમપુર ગામમાં પણ લઠ્ઠાને કારણે બે વ્યક્તિઓના મોતના અહેવાલ છે અને અન્ય ત્રણની હાલત ગંભીર છે. તેમને સારવાર માટે જોલીગ્રાન્ટ ખસેડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે લઠ્ઠાના સેવનને કારણે માલી, શરબતપુર, સલેમપુર અને ઉમાહીમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નીપજ્યા છે.
જ્યારે કુશીનગરમાં ઝેરી દારૂના સેવનથી વધુ ચારના મોત નીપજ્યા છે અને અત્યાર સુધીમાં અહીં નવ લોકોએ આને કારણે જીવ ગુમાવ્યા છે. કુશીનગરના તરયાસુજાન વિસ્તારમાં ઝેરી દારૂ પીવાને કારણે ગુરુવારે વધુ ચારના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકોનો અલગ-અલગ હોસ્પિટલોમાં ઉપચાર ચાલી રહ્યો છે. આમ તો પ્રશાસન દ્વારા સાત લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે લોકો બીમાર હોવાનં જણાવાય રહ્યું છે. આ મામલામાં તરયાસુજનાના ઈન્સ્પેક્ટર લાઈનહાજર કરવામાં આવ્યા છે. જ્યારે એક પીએસઆઈ અને બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય આબકારી નિરીક્ષક સહીત પાંચ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેંદૂપાર ખલવા ટોલા ખાતે બે લોકોના ઝેરી દારૂ પીવાને કારણે ગુરુવારે સવારે અને બુધવારે રાત્રે ખૈરટિયા ખાતે લઠ્ઠાને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે અન્ય ત્રણ લોકોના પણ લઠ્ઠાના સેવનને કારણે મોત નીપજ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ આ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને તેને કારણે પોસ્ટમોર્ટમ થઈ શક્યા નથી.

એસપી રાજીવ નારાયણ મિશ્રના જણાવ્યા પ્રમાણે, બે વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણો સ્પષ્ટ નહીં હોવાને કારણે તબીબોએ મૃતકોના વિસરા સુરક્ષિત કરી લીધા છે. પરિવારજનોની શંકાના આધારે બે વ્યક્તિઓ વિરુદ્ધ બિનઈરાદાપૂર્વકની હત્યા, ઝેરી દારૂ બનાવવો અને વેચવો તેના આરોપમાં કેસ નોંધીને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઉત્તરાખંડના રુડકીમાં ઝબરેડા વિસ્તારના બલ્લૂપુર ગામમાં ઝેરી દારૂ પીવાને કારણે આઠ લોકોના મોત નીપજ્યા છે અને ચાર અન્ય લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. એસએસપી જન્મેજય પ્રભારક ખંડૂરીના જણાવ્યા પ્રમાણે, ગામમાં એક વ્યક્તિના ઘરે તેરમાના પ્રસંગે ભોજન સમારંભ હતો. તે વખતે ત્યાં કેટલાક ગ્રામીણોએ દારૂ પીધો હતો. ઘરમાં બનાવવામાં આવેલા કાચા દારૂના સેવનને કારણે આવી દુર્ઘટના બની હોવાની પણ આશંકા છે. આ મામલો ફૂડ પોઈઝનિંગનો છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.

સહારનપુર અને કુશીનગરમાં લઠ્ઠાને કારણે થયેલા મોત અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા લોકોના પરિવારજનોને યુપી સરકારે વળતરની ઘોષણા કરી છે. સરકારે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે બીમાર થયેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા મામલામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે.