Site icon Revoi.in

કચ્છના રાપરમાં 3.1ની તિવ્રતાનો ભૂકંપ, બે કલાક બાદ પેટાળમાં જોરદાર ધડાકો થતા લોકો ફફડી ગયા

Social Share

ભૂજઃ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. આજે શુક્રવારે રાપર વિસ્તારમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના આંચકા બાદ બે કાલા પછી ભૂ-પેટાળમાં જોરદાર અવાજ સાથે ધડાકો થતા લોકોને વર્ષ 2001ના ભૂકંપની યાદ અપાવી હતી.

કચ્છમાં આજે સવારે 10.16 મિનિટે  વાગડના રાપરથી 16 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 3.1ની તીવ્રતાના આફ્ટરશોક અનુભવાયો હતો. જોકે આ વિસ્તારમાં આવતા કાયમી આફ્ટરશોકના કારણે લોકોએ ખાસ ગંભીરતા લીધી નહોતી. પરંતુ 12 વાગ્યાના અરસામાં ફરી જોરદાર અવાજ સાથે ધડાકો થતા લોકોને 2001નો ભુકંપ યાદ આવી ગયો હતો.

પૂર્વ કચ્છના ઔધોગિક એકમ ગાંધીધામ અને ઐતિહાસિક શહેર અંજાર અને તાલુકાઓમાં આજે 12.25 મિનિટે જોરદાર અવાજ સાથે ધડાકો થયાનો અનુભવ લોકોને થયો હોવાનું જાણવા મળ્યું છે. અવાજ એટલો બધો ભયંકર હતો કે જાણે કોઈ મોટા વાહનો ટકરાયા હોય કે અકસ્માત સર્જાયો હોય, પરંતુ આ અવાજ છેક ગાંધીધામ શહેરથી લઈ અંજાર અને તેના ગ્રામ્ય વિસ્તારો સુધી સંભળાયો હતો. જેના પગલે ઘર, ઓફિસ અને દુકાનોમાં લોકો બહાર ખૂલ્લામાં દોડી આવ્યા હતા. અને ભેદી ધડાકો હોવાનું માલુમ પડ્યા બાદ મોબાઈલ ફોન મારફતે એકમેકની ખબર પૂછતાં જોવા મળ્યા હતા.

ગાંધીધામના રહીશોએ જણાવ્યું હતું કે, બપોરે એક ભાયજનક અવાજ સંભળાયો હતો. જેની પ્રથમ તો બહુ નોંધ ન લીધી પરંતુ આ ધડાકો સમગ્ર વિસ્તારમાં હોવાનું જાણમાં આવતા સગા સબધી પાસે માહિતી મેળવી હતી. ​​​​​બીજી તરફ અંજાર શહેર અને તાલુકા વિસ્તારમાં પણ ભેદી ધડાકો થયાનું લોકોએ જણાવ્યું હતું. અહીં પણ લોકો પખવાડિયા બાદ બીજી વખત આવેલા ભેદી અવાજથી લોકો ગભરાઈ ગયા હતા.

કચ્છના 2001ના 26 જાન્યુઆરીના આવેલા ભયાનક ભૂંકપને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં આજ દિન સુધી ઝોન 5માં આવતી કચ્છની ધરતી સતત ધણધણી રહી છે. અત્યાર સુધી નાના મોટા આફ્ટરશોકની સંખ્યા હજારોને પાર પહોંચી ગઈ છે. જેમાં વધારો કરતો વધુ એક આંચકો આજે સવારે વાગડના રાપર નજીક અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

 

 

Exit mobile version