Site icon Revoi.in

ઉચ્ચ અભ્યાસ બાદ શોર્ટકટમાં નાણા કમાવવા ગુનાખોરીમાં પ્રવેશનારા 3 આરોપીઓ ઝબ્બે

Social Share

લખનૌઃ કાનપુરમાં નકલી ચલણી નોટો છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને એક ગેંગને ઝડપી લીધી હતી. ગેંગમાં પીએચડી અને બીટેકનો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે બોગસ ચલણી નોટ પ્રકરણમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા.

કાનપુર ક્રાઈમબ્રાન્ચ અને ગોવિંદનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરીને ગેંગના વિમલ સિંહ, સૌરભસિંહ સહિત 3 આરોપીઓને ઝડપી લીધા હતા. બિમલ સિંહે બીટેકનો અભ્યાસ કર્યો છે. જ્યારે સૌરભએ પીએચડી કર્યું છે. આરોપીઓ પાસેથી રૂ. 4.67 લાખની બોગસ ચલણી નોટો જપ્ત કરી હતી. આરોપીઓએ યુ-ટ્યુબ ઉપર જોઈને બનાવટી ચલણી નોટો છાપતા શિખ્યાં હતા. આરોપીઓ રૂ. 100, 200 અને 500ના દરની જ નોટો છાપતા હતા. રૂ. 2000ની દરની નોટ છાપવામાં પકડાઈ જવાનું જોખવ લાગતા તેઓ રૂ. 2 હજારની નોટ છાપતા ન હતા. આરોપી પાસેથી નોટો છાપવાના બે વીડિયો પણ મળી આવ્યાં હતા.

સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં હતા. આરોપીઓએ અગાઉ કેટલી નોટો છાપી હતી અને બજારમાં ફરતી મુકી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં ઉચ્ચ અભ્યાસ કરનારા બે યુવાનોની સંડોવાણી ખુલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ કેસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.