Site icon Revoi.in

સતલાસણાના ધરોઈ નજીક પૂર ઝડપે આવેલી કાર છાપરાંમાં ઘૂંસી જતાં 3નાં મોત, એક ગંભીર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે અને બેફામરીતે વાહનો દોડાવવાને લીધે નિર્દોષ માનવ જીન્દગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમ નજીક રોડ સાઈડ પર છાંપરૂ બાંધીને રહેતા એક શ્રમજીવી પરિવાર પર કાળ બનીને ત્રાટક્યો હોય તેમ એક પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર છાપરાં ઘૂંસી ગઈ હતી. જેમાં એક મહિલા અને તેના બે સંતાનોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક પુલના છેડે છાપરું બાંધીને એક શ્રમજીવી પરિવાર વસવાટ કરી રહ્યા હતા. શ્રમજીવી પરિવાર માછલીઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવતો હતો. દરમિયાન પૂરઝડપે આવેલી કાર સીધી છાપરામાં ઘુંસી જતાં મહિલા સહિત કુલ ચાર લોકોને હડફેટે લીધા હતા. સમગ્ર અકસ્માતમાં મહિલા અને તેના બે સંતાનોમાં મોત નીપજ્યાં હતા.  જ્યારે એક બાળકીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જનાર કાર પણ રોડની સાઈડમાં ઊતરી જતા ઇજાગ્રસ્ત કારચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ રાજકોટના અને છેલ્લાં 30 એક વર્ષથી મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે પરિવારનાં ગીતાબેન વાઘેલા પોતાના પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને બીજી દીકરી કિંજલ આમ ચાર લોકો ધરોઈ નદી કિનારે આવેલા પુલ નજીક છાપરું બાંધીને માછલીનો વ્યાપાર કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં  એક આઈ-10 કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર માછલી વેચતા પરિવારના છાપરામાં કાર ઘુસાડી દીધી હતી. કાર છાપરામાં ઘૂસી જતા ત્યાં માછલી વેચવા બેઠેલા પરિવારના મોભી ગીતાબેન, પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને કિંજલ પર કાર ફરી વળતા છાપરામાં મોતની ચિચિયારીઓઓ ગુંજી ઊઠી હતી. ઘટનાની જાણ નજીકમાં રહેતા ભાઈને થતા તાત્કાલિક લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યાં અકસ્માત સર્જનાર કાર રોડની સાઇડમાં ઊતરી જતાં સ્થાનિકોએ કારચાલકને ઝડપી લીધો હતો.

સ્થાનિકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સતલાસણા અને વડનગર અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 50 વર્ષીય ગીતાબેન, 13 વર્ષીય દીકરો આકાશ અને 30 વર્ષીય દીકરી કરિશ્માનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 15 વર્ષીય કિંજલ હાલ સારવાર હેઠળ છે.

આ દુ:ખદ ઘટનામાં મૃતક કરિશ્માને સાત માસનો ગર્ભ હતો, તેણી પોતાની માતાના ઘરે રહેતી હતી અને માતાને માછલીઓના વ્યાપારમાં મદદ કરતી હતી. જેનું પણ મોત થતાં તેના પેટમાં રહેલું માસૂમ દુનિયા જુએ તે પહેલાં જ ભગવાનને વહાલું થઇ ગયું હતુ. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા પરિવાર વિખેરાઈ ગયો છે. આ અકસ્માતમાં ખેરાલુની તૈયબા સોસાયટીમાં રહેતા મેમણ લૂકમાન ફજલભાઈ અને અક્સાબેન મેમણને પણ શરીરે ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. કારચાલકની સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.