Site icon Revoi.in

સુરેન્દ્રનગર પાલિકાના 300 કોન્ટ્રેક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે. પણ વઢવાણ-દૂધરેજ અને સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશોની વહિવટની અણઆવડતને કારણે માત્ર નાગરિકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ત્રાસ, ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના અનેક પ્રશ્નો છે. નાગરિકોની રજુઆતો છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શહેરને સ્વચ્છ રાખવામાં રોડ-રસ્તાઓ અને શેરીઓમાં જઈને કચરો ઉપાડતા કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત છે. સફાઈ કામદારો નગરપાલિકાની કચેરીએ રજુઆતો કરીને થાકી ગયા છતાંયે નગરપાલિકાના સત્તાધિશોના પેટનું પાણી પણ હલતું નથી.

સુરેન્દ્રનગર  દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં 300થી વધુ કોન્ટ્રકટ બેઇઝ સફાઈ કર્મચારી કામ કરી રહ્યા છે. તેમનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવાયો નહીં હોવાથી ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા આ તમામ સફાઈ કામદારોને તાત્કાલિક પગાર ચૂકવાય તેવી માંગ કરાઈ હતી. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુર પાટડીયાએ શ્રમ આયુક્તની કચેરી તેમજ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી કે, શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના ઉપર છે તેવા 300થી વધુ કોન્ટ્રકટ બેઇઝ સફાઈ કર્મચારી છેલ્લા ત્રણ મહિનાથી વેતનથી વંચિત હોવાની રાવ ઉઠી છે. કોન્ટ્રકટરો દ્વારા નિયમિત પગાર નહિ ચુકવાતા કર્મચારીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. પગાર ચૂકવણી અધિનિયમ મુજબ કોઈ પણ કર્મચારીનો પગાર એક મહિનાથી વધુ બાકી રાખી શકાય નહીં ત્યારે આ કોન્ટ્રકટરો નિયમનો સરેઆમ ભંગ કરીને કોન્ટ્રકટ બેઇઝ સફાઈ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર આવા કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પગલા લઇ રહ્યું નથી. આથી નગરપાલિકા કોન્ટ્રાક્ટરોને તત્કાલ પગાર ચૂકવા આદેશ કરે તેવી માંગ કરી હતી.