Site icon Revoi.in

રાજકોટ નજીક 20 અને 40 કિ.મીની યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 31 અશ્વસવારોએ લીધો ભાગ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં અશ્વદોડ સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. કાઠીયાવાડમાં આજેપણ પાણીદાર અશ્વો જોવા મળે છે. ત્યારે  રાજકોટ નજીક આવેલા ઈશ્વરીયા ખાતે સતત ત્રીજા વર્ષે અશ્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ, સમગ્ર રાજયનાં જાણીતા ઘોડેસવારોએ પોતાના પાણીદાર ઘોડા સાથે ભાગ લીધો હતો અને અલગ-અલગ 20 તેમજ 40 કિલોમીટરની એન્ડ્યુરન્સ અશ્વ રેસમાં 31 જેટલા ઘોડેસવારોએ સામેલ થઈ પોતાનું કૌવત દર્શાવ્યું હતું. અશ્વસ્પર્ધામાં અશ્વોને પાણી, પર્વત સહિતનાં વિસ્તારમાં નિયત સમયમર્યાદામાં દોડાવવામાં આવતા આ સ્પર્ધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રાજકોટના ઈશ્વરિયા ખાતે અશ્વદોડ સ્પર્ધાના આયોજક કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સતત ત્રીજા વર્ષે અશ્વસ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું. દર વર્ષે અશ્વદોડ સ્પર્ધાનું આયોદન કરવામાં આવે છે. શરૂઆતમાં 10 જેટલા ત્યારબાદ 15 જેટલા લોકો આ સ્પર્ધામાં ભાગ લેતા હતા. પરંતુ આ વર્ષે 31 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. આયોજનનો મુખ્ય હેતુ જાનવર સાથે માણસનો પ્રેમ વધે અને શરીર માટે ખૂબ સારો વ્યાયામ થાય તે છે. હોર્સ રાઈડિંગ કરવાથી અન્ય કોઈપણ એક્સરસાઇઝ કરવાની જરાય જરૂર રહેતી નથી. અને અશ્વ સાથે રહેવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ સ્પર્ધામાં નિયત સમય મર્યાદામાં 20 અને 40 કિલોમીટર સુધી ઘોડો દોડાવવો જરૂરી છે. જેમાં સારા રસ્તા તેમજ પથરાળ રસ્તામાં પણ અશ્વ દોડાવવાનો હોય છે. આ ઉપરાંત ડુંગરાળ વિસ્તાર અને ઝાડ નીચે કે ઝાડ ઉપરથી તેમજ પાણીમાંથી પણ ઘોડો પસાર કરવો પડે છે. જે એન્ડ્યુરન્સ રાઈડ કહેવાય છે. તેમાં પણ નિયત સમયમર્યાદામાં પરત ફરવાનું હોય છે. વહેલા અને છેલ્લે રેસ પૂરી કરે એ વિજેતા બનતા નથી. પરત આવ્યા બાદ 10 મિનિટનો રેસ્ટ અપાય છે. આ પછી ડોક્ટર દ્વારા ઘોડાને કોઈ ઇજા થઈ છે કે નહીં તે સહિતની તપાસ થાય છે અને ખાસ ઘોડાની હાર્ટબીટ સહિતનું ચેકીંગ કરવામાં આવે છે. જે નોર્મલ હોય તો જ ઇનામ આપવામાં આવે છે.

 

Exit mobile version