Site icon Revoi.in

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત કુલ 487 સાકર ઉત્પાદન કારખાનામાં 142.70 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જયારે ગયા વર્ષે આ સમયગાળામાં 440 સુગર મિલ્સ દ્વારા 108.94 લાખ ટન ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આમ આ વખતનું ઉત્પાદન 33.76 લાખ ટન વધારે હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં 181 સુગર મિલ્સમાં 51.55 લાખ ટન અને ગુજરાતમાં 15 સુગર મિલ્સમાં 4.40 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં 15 જાન્યુઆરી 2021 સુધી 42.99 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. કર્ણાટકની 66 સુગર મિલોમાં 29.80 લાખ ટન, તમિલનાડુની 20 સુગર મિલોમાં 1.15 લાખ ટન ઉત્પાદન થયું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 12.81 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે.

એસોસિએશન દ્વારા ચાલુ નવી માર્કેટિંગ સીઝન 2020-21 માટે દેશમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ 13 ટકા વધારીને 310 લાખ ટન કર્યો છે. જ્યારે પાછલી સીઝનમાં 274.2 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. દેશમાં ચાલુ વર્ષે ખાંડના ઉત્પાદનમાં વધારો થયો હોવાથી નિકાસમાં પણ વધારો થવાનો અંદાજ છે.