ભુજ, 3 જૂન 2026: કચ્છમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે પૂર્વ કચ્છ પોલીસે મેગા સર્ચ ઓપરેશન કર્યું છે. કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિસ્તારમાં એક સઘન મેગા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની ટીમો દ્વારા પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની શોધખોળ કરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઇવ દરમિયાન 35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરોને પોલીસે અટકાયતમાં લીધા છે.અટકાયતમાં લેવાયેલા તમામ શખ્સો પાસે કોઈ અધિકૃત દસ્તાવેજો છે કે કેમ, તેઓ ભારત કેવી રીતે પ્રવેશ્યા અને અહીં કયા હેતુથી રોકાયા હતા, તે અંગે પોલીસે સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. પોલીસની આ આકરા પગલાંની કાર્યવાહીને પગલે ગેરકાયદે વસવાટ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આગામી સમયમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે તેમ સંકેત આપ્યા છે.

