Site icon Revoi.in

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક, બે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

Social Share

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ટ્રકચાલકે એકાએક બ્રેક મારતા પાછળ પુર ઝડપે આવી રહેલી બે કાર ટ્રક પાછળ ધડાકા સાથે અથડાઈ હતી. દરમિયાન પાછળ પૂર ઝડપે આવી રહેલું ડમ્પર પણ કાર સાથે અથડાતા બન્ને કાર ટ્રક અને ડમ્પર વચ્ચે ભીંસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના મોત નિપજ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણા મળી હતી કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક ઓવરબ્રિજ પાસે ગુરૂવારે સવારે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં રાજકોટ તરફ આવી રહેલા મહારાષ્‍ટ્ર પાસીંગના ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં તેની પાછળ બે કાર આવી રહી હોય બન્ને ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. દરમિયાન પાછળ આવતા ડમ્પર બન્ને કાર પાછળ ઘૂસી જતા બન્ને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ બંને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્‍થળે મોત નિપજ્યા હતા. જ્‍યારે અન્ય એક યુવાનનું રાજકોટ હોસ્‍પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે સવારે રાજકોટ તરફ આવી રહેલા એમએચ.13.ઇએફ.6045 નંબરના ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની એસેન્‍ટ કાર જીજે.03.બીએ.2032 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની બલેનો કાર જીજે.13.એઆર.7353 ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે આ બંને કાર પાછળ ડમ્‍પર આવતું હોવાથી તે પણ કાર પાછળ અથડાતાં બને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે એક યુવાનને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં અહીં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આમ આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે.

રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુ પામનારનું નામ હિરેનભાઇ વશરામભાઇ સગપરિયા (ઉં.વ.45) હોવાનું અને તેઓ રાજકોટ મનહરપ્‍લોટ-14માં રહેતાં હોવાનું જાણવા મળ્યુ છે. હિરેનભાઈ સગપરિયા તથા તેમના મિત્રો અટીકા વિરાણી અઘાટ પાસે નહેરૂનગરમાં રહેતાં ભરતભાઇ ખીમજીભાઇ સોલંકી (ઉં.વ.48), તેમનો પુત્ર પાર્થ ભરતભાઈ સોલંકી (ઉં.વ.20) સહિતના ચાર લોકો કાર લઈને ચોટીલા દર્શન કરવા ગયા હતા. પરત આવતી વખતે આ અકસ્‍માત થયો હતો. જેમાં હિરેનભાઈનું રાજકોટ તથા પાર્થનું ઘટનાસ્‍થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક સુરેન્‍દ્રનગરના મૃતક હેમેન્‍દ્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. ચોથા મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.