Site icon Revoi.in

રાજકોટના એરપોર્ટ પર 4 નવા પાર્કિંગને અંતે મંજૂરી મળી, હવે 15મી જૂનથી નવી ફ્લાઈટ શરૂ થશે

Social Share

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લો અનેક ઉદ્યોગો અને વેપાર-વણજ સાથે સંકળાયેલો હોવાથી દેશના અન્ય શહેરો સાથે પણ વેપારના કારોબારથી જોડાયેલો છે. એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય શહેરોના પ્રવાસીઓ પણ દેશના અન્ય શહેરોમાં જવા માટે રાજકોટ એરપોર્ટ પરથી જતાં હોય છે. એટલે ટ્રાફિકમાં વધારો થયો છે, પણ એરપોર્ટ પર પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવતી નહતી. આખરે ડીજીસીએ દ્વારા નિરીક્ષકોના રિપોર્ટ બાદ રાજકોટ એરપોર્ટ પર ચાર નવા પાર્કિંગને મંજુરીની મહોર મારવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પર 4 નવા પાર્કિંગને મંજૂરી મળી છે. જેને લઈ નવી ફ્લાઈટો ઉડાન ભરી શકશે. એરપોર્ટ પરથી હાલ રોજ દિલ્હી – મુંબઈની ચાર-ચાર અને ગોવા તથા બેંગ્લોરની એક-એક  ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક થઇ શકે તેટલું જ પાર્કિંગ હોવાથી નવી ફ્લાઈટ શરુ થઇ શકતી નહોતી. પરંતુ હવે 4 નવા પાર્કિંગ મંજુર થતા કોલકાતા, બનારસ, જયપુરની નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર હાલ એક મોટું 180 સીટર અને 1 નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે. જો આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં રહેવું પડે છે. જેના કારણે મોંઘુ ઈંધણ પણ વધુ વપરાય રહ્યું છે. તેમજ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઇ હતી. જયારે ઈન્ડીગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરુ કરવા મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી ચાર ફ્લાઈટની મંજૂરીમાં વિલંબ થઇ રહ્યો હતો. પરંતુ  હવે એરપોર્ટ પર 4 નવા એપ્રેન અર્થાત પાર્કિંગને મંજૂરી મળતા આ મુશ્કેલી દૂર થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન પાર્ક થઇ શકે છે. જેથી એક સાથે મોટા 4 બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ પહેલા દિલ્હી DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવીલ એવીએશન) ની મંજૂરી માંગવામાં આવી હતી. જે મંજૂરી મળી જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને મોટી રાહત મળશે.

 

Exit mobile version