Site icon Revoi.in

ખેડાના ઉંધેલા ગામે યુવાનોને જાહેરમાં મારમારતા 4 પોલીસ કર્માચારીને 14 દિવસની સજા, 2000નો દંડ

Social Share

અમદાવાદઃ  ખેડા જિલ્લાના ઉંધેલા ગામે ગત વર્ષે ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બનતા પોલીસે આરોપીઓને પકડીને ગ્રામજનોની હાજરીમાં જ આરોપીઓને વીજળીના થાંભલે બાંધીને ઢોર મારમાર્યો હતો. અને તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી બાદ ચારેય પોલીસ કર્મચારીઓને 14 દિવસની જેલની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને કોર્ટનો ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સજા સામે દોષિતના વકિલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સ્ટેની માંગણી કરવામાં આવતા હાઈકોર્ટે હૂકમની સજાની અમલવારી પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે.

આ કેસની વિગતો એવી છે. કે, ગયા વર્ષે ઑક્ટોબર 2022 માં, નવરાત્રિ દરમિયાન, ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેઆરોપીઓની ધરપકડ કરી ગામના જાહેર મેદાનમાં ઉભા કરી લાકડીઓ વડે ઢોરમાર માર માર્યો હતો. તેના ફોટા અને વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા. આ  મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.  જાહિરમીયા મલેક (62), મકસુદાબાનુ મલેક (45), સહદમીયા મલેક (23), સકીલમીયા મલેક (24) અને શાહિદરાજા મલેક (25) ને જાહેરમાં થાંભલે બાંધી માર મારવાનો આરોપ ચાર પોલીસ કર્મચારીઓ સામે મુકવામાં આવ્યો હતો.

આ કેસમાં ચારેય પોલીસ કર્મચારીઓએ પીડિત મુસ્લિમ યુવકોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી પરંતુ પોલીસ મારનો ભોગ બનેલા યુવકોએ વળતર લેવાની ઓફરને ફગાવી દીધી હતી. ગત સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિત મુસ્લિમ યુવકોના વકીલે દલીલ કરી હતી કે, તેમના અસીલને પોલીસ કર્મચારીઓનું વળતર નહીં પણ ન્યાય જોઈએ છે. બીજી તરફ કોર્ટે કરેલી સજા સામે દોષિતના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સ્ટેની માંગ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે હૂકમની સજાની અમલવારી પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે.