Site icon Revoi.in

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખરીદાયેલી 40 E-રિક્ષા ભંગારમાં અને હવે નવા E-વાહનો ખરીદાશે

Social Share

વડોદરા: શહેરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો અવિચારી વેડફાટ કરાયો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ.ના સત્તાધિશોએ પર્યાવરણ અને ઇંધણ બચાવવાના નામે 5 વર્ષ પહેલાં મિશન સ્વરછતા હેઠળ 40 ઈ-રિક્ષાઓ ખરીદી હતી. જે હાલમાં ભંગારમાં ફેરવાતા સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. હવે મ્યુનિ.ના નવેસરથી ઈ વ્હિકલ અને ઈ કાર ખરીદવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ. કોર્પોરેશને તાજેતરમાં પર્યાવરણ અને ઇંધણ બચાવવાના હેતુથી ડોર ટુ ડોર કચરા માટે 19 વોર્ડ માટે 38 ઈ-વ્હિકલ અને 10 ઈ-કાર ખરીદવાનો નિર્ણય કર્યો છે.  મ્યુનિ.ના સત્તાધિશોના આ નિર્ણય સામે  વિરોધ ઊભો થયો છે. મ્યુનિ. કોર્પોરેશન કરોડોના ખર્ચે ઈ વાહન ખરીદશે. પણ અગાઉ 5 વર્ષ  જે ઈ-રીક્ષા 60 લાખ રૂપિયાના ખર્ચે ખરીદી હતી તે સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશને 2017માં મિશન સ્વચ્છ વડોદરા માટે 40 ઈ-રિક્ષા ખરીદી હતી, જે થોડાક સમય માટે ચલાવવામાં આવી બાદમાં કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ભંગારમાં ફેરવી દેવાઈ હતી. હવે મ્યુનિ,ના સત્તાધિશો  5 વર્ષ પહેલાં ખરીદેલી ઈ-રિક્ષા મેન્ટેનન્સના બહાના હેઠળ સ્ક્રેપમાં ધકેલી દેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એક ઈ રિક્ષા માંડ 3500 થી 5000 કિલોમીટર ફરી છે છતાં કોર્પોરેશને તેને ભંગારમાં ફેરવી નાખી છે. જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે મ્યુનિ.ના  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે શુભ આશયથી અને આજની જરૂરિયાત મુજબ ઈ વ્હીકલ ખરીદવાનો નિર્ણય લીધો છે. મ્યુનિ. કોર્પોરેશને ઈ વ્હિકલ ખરીદવાનો નિર્ણય ભલે કર્યો પણ ઈ વ્હિકલ ચાર્જ કરવા માટે પાલિકા પાસે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા જ નથી. તો ઈ વ્હિકલ ક્યાં ચાર્જ કરાશે તે સૌથી મોટો સવાલ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસ કોર્પોરેટર કહે છે કે ઈ-વ્હિકલ ખરીદવાના નામે ભ્રષ્ટાચારનો આશય છે. વાહનો પાછળ ખરીદી કરવાના બદલે સફાઈ કર્મીઓની ભરતી કરાય અને પૂરતો પગાર ચૂકવાય તો પણ શહેર સ્વચ્છ બની જશે . મ્યુનિ.  કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓના અણધડ વહીવટના કારણે અવાર નવાર પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. તેમ છતાં અધિકારીઓ અને શાસકો સુધારવાનું નામ લઈ રહ્યા નથી.