Site icon Revoi.in

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રીજ તૂટી પડતા 400 લોકો નદીમાં ખાબક્યા, 60નાં મોત

Social Share

મોરબીઃ શહેરમાં મચ્છુ હોનારત બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે  મચ્છુ નદી પરનો રાજાશાહી સમયનો ઝુલતો પુલ તૂટતા અનેક લોકો  નદીમાં પડ્યા હતા. જેમા 60થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.  આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. રાજ્યના પંચાયત મંત્રીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના છે. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બન્યો હતો. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાતા 400 જેટલા લોકોના મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યા હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું હતું. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં ચાલુ છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

મોરબી દુર્ઘટના અંગે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયાનો કાર્યક્રમ પડતો મૂકીને ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાંથી મોરબી જવા રવાના થયા છે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના થયા છે.

PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.