Site icon Revoi.in

અમદાવાદમાં ફતેવાડીના ફ્લેટ્સમાં આગ લાગતા 42 વાહનો બળીને ખાક, 200 લોકોને રેસ્ક્યુ કરાયાં

Social Share

અમદાવાદઃ શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ગત રાતના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગાને લીધે ફલેટ્સના રહિશો જાગી ગયા હતા. અને બુમાબુમ કરી હતી. આગવે લીધે પાર્કિંગમાં ત્રણ રિક્ષા સહિત 39 જેટલા ટૂ-વ્હિલર બળીને ખાક થયાં હતા. આગ લાગ્યાની જાણ કરાતાં ફાયર બ્રિગંડના ફાયટરો દોડી આવ્યા હતા, અને ત્વરિત આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, ફાયરબ્રિગેડના જવાનોએ 200 જેટલા લોકોને સલામત ધાબેથી રેસ્ક્યૂ કર્યા હતા. માથાભારે તત્વોએ આગ લગાડી હોવાની સ્થાનિક લોકોએ  શંકા વ્યક્ત કરતા પોલીસે પણ એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે.

ફાયપબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રોમેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી હોવાનો ગુરૂવારે મોડીરાત્રે 3:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો,  જેથી ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ નવ જેટલી ફાયરબ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાર્કિંગમાં રહેલાં ટૂ-વ્હીલરો અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. આગ લાગવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આગનો ધુમાડો બીજા માળ સુધી પહોંચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા ઉપર દોડી ગયા હતા. આગ લાગવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ખૂબ જ ભયનો માહોલ જોવા મળ્યો હતો, ફાયરબ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા ઉપર પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઊંચકી ધાબા ઉપરથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. જ્યારે 10 લોકોને ફાયરબ્રિગેડની સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રોએ કહ્યુ હતું કે, ફતેવાડી વિસ્તારમાં મેટ્રોમેન્શન ફ્લેટમાં આગ લાગી હતી. તમામ લોકોને સલામત ધાબા ઉપરથી ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ કર્યા હતા. આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 50 જેટલાં વાહનો પણ બચાવી લેવામાં આવ્યાં છે. પાર્કિંગમાં આગ લાગવા મામલે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મોડીરાત્રે કેટલાંક અસામાજિક તત્ત્વો પાર્કિંગમાં બેઠા હતાં, જેને ફ્લેટના રહીશોએ ત્યાંથી ભગાડ્યા હતા. જેથી અસામાજિક તત્ત્વો ધમકી આપીને ગયાં હતાં. પોલીસ અને એફએસએલની ટીમની આ મામલે મદદ લેવામાં આવી છે.

Exit mobile version