Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ડેમ તળિયા ઝાટક, 3 ડેમમાં માત્ર 3થી 8 ટકા જેટલું જ પાણી

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાળઝાળ ગરમીને લીધે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નર્મદાના પાણીને લીધે ભરાયેલો છે. જ્યારે બાકીના ડેમોમાં તળિયા દેખાવવા લાગ્યા છે. એટલે કે  18 ડેમોમાં માત્ર 18 ટકા જેટલા પાણીને સ્ટોક જ ઉપલબ્ધ છે. જેમાં 5 ડેમો તો તળિયાઝાટક છે. અને ત્રણ ડેમોમાં તો માત્ર 8 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ છે. ચોમાસાને હજુ એક મહિના જેટલો સમય બાકી છે. પણ જો ચોમાસામાં પ્રારંભમાં વરસાદ ખેંચાશે તો પાણીના સમસ્યા વધુ વિકટ બનશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ મહિનાના ટુંકાગાળામાં 15થી વધુ માવઠાની સાથે કેનાલોમાંથી સિંચાઇ માટેનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બાકી હતું તો જિલ્લાના 11 જળાશયોમાં માત્ર 18 ટકા પાણી રહેતા પડતા પર પાટુની સ્થિતિ સર્જાઇ છે. સિંચાઇની સાથે પીવાના પાણી માટે પણ ફાંફા પડી રહ્યા છે. જિલ્લાનો  એક માત્ર ધોળીધજા ડેમ નર્મદાના નીરથી ભરેલો છે. બાકીના 5 ડેમ તળિયાઝાટક અને બાકીના 3 માં 8 ટકાથી ઓછું પાણી બચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓનું પાણીયારૂ તરીકે ઓળખવામાં આવે છે.પરંતુ કુવાકાંઠે તરસ્યાનો ઘાટ સર્જાતો હોય તેમ ગામડાઓમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની વિકટ સ્થિતિસર્જાતી હોય છે. નર્મદાના નીર પણ અપુરતા મળવાને કારણે ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે.  જિલ્લામાં 11 સ્થળોએ  નદી પર જળાશયો  આવેલા છે. પરંતુ  ગત ચોમાસા દરમિયાન સરેરાશ 20.22 ઇચ જેટલો એટલે કે 87.48 ટકા વરસાદ થયો હતો. સામાન્યત: 150 ટકાથી વધુ વરસાદ થાય તો આ તમામ જળાશયો છલકાઇ જાય છે.પરંતુ ઓછો વરસાદ થવાને કારણે ચોમાસામાં જ જિલ્લાના જળાશયો ખાલી રહયા હતા. અને હાલ ઉનાળાની અસહ્ય ગરમીને લીધે 11 ડેમોમાં પાણી ઘટીને માત્ર 18 ટકા જ રહયું છે. અત્યારે જે જળાશયોમાં પાણીનો જથ્થો છે તે પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જળાશયો ઉનાળાના અંતિમ જ ખાલી થઇ જતા હવે લોકોની તરસ છીપાવવા માટે નર્મદાના નીર એક માત્ર ઉપાય બચ્યો છે. આથી ઉનાળાના અંતિમ દિવસો આકરા બને તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરનો ધોળીધજા  એક માત્ર એવો ડેમ છે, કે,  જેમાં  વરસાદ અને નર્મદાના બન્ને પાણી  આવે છે અને તે સતત ભરેલો રહે છે.જેમાંથી પાણી લોકોને પીવા માટે જ આપવામાં આવે છે.જયારે બાકીના 10 જળાશયો વરસાદ આધારિત છે. જેટલો વરસાદ પડે તેટલા પ્રમાણમાં ભરાય છે.