Site icon Revoi.in

કલોલ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 5 ડુબ્યાં, એકને બચાવી લેવાયો, 4 વ્યક્તિઓ હજુ લાપત્તા

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં નહાવા પડેલા કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિને ફાયરના જવાનોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓની મદદ લેવામાં આવી છે.

ગુજરાતમાં ધૂળેટીના દિને નદી, તળાવો અને કેનાલમાં ડુબી જવાના વિવિધ બનાવો બન્યા હતા. જેમાં ખેડા જિલ્લાના વડતાલ ખાતે ગોમતી તળાવમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડુબી જતાં  મોત નિપજ્યા હતા.જ્યારે ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. તેમજ  પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ ઉપરાંત મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું હતુ. આમ નવના મોત થયા હતા. જ્યારે કલોકના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ સાઈડની કેનાલમાં નહાવા પડેલા પાંચ વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. જેમાં એક યુવાનને ફાયરના જવાનોએ બચાવીને બહાર કાઢ્યો હતો. પણ બાકીના ચાર વ્યક્તિઓનો કોઈ અતોપત્તો લાગ્યો નથી. કેનાલમાં ડુબેલા પાંચેય વ્યક્તિઓ અમદાવાદના હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ થ્રોળ રોડ પર ઉનાલી ગામ નજીક સાણંદ તરફ જવાના રોડ ઉપર આવેલી નર્મદા કેનાલમાં 5 લોકો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. એક વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જો,કે તે બેભાન હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે મહિલા અને બે પુરુષની શોધખોળ કેનાલમાં કરવામાં આવી રહી છે. નર્મદા કેનાલની સાયફન તરફ હાલમાં શોધખોળ ચાલી રહી છે. ડૂબનારા લોકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેના સગા-સંબંધીઓ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. (File photo)