Site icon Revoi.in

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સિવિલ હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી

Social Share

સુરતઃ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસથી  કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે શહેરમાં દરરોજ બે હજાર જેટલા નવા કેસ નોંધાતા હતા, જે આંકડો ઘટીને 1000 સુધી પહોંચ્યો છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના સામેની લડતમાં તંત્રને આંશિક સફળતા મળી છે. આ સિવાય કોરોનાને હરાવીને ઘરે પાછા ફરનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. કેસની સંખ્યામાં ઘટાડો થવાને કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 65 ટકા બેડ ખાલી થઈ ગયા છે.

સુરત શહેરમાં થોડા સમય પહેલા જ ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવને કારણે અનેક ખાનગી હોસ્પિટલો સહિત સિવિલ અને સ્મિમેરના દરવાજા કોરોનાના દર્દીઓ માટે બંધ કરી દેવાની નોબત આવી હતી. પરંતુ અત્યારે સિવિલમાં 1518 બેડની સંખ્યા સામે 564 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે સ્મિમેર હોસ્પિટલમાં 941 બેડની સંખ્યા સામે 344 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં આ મહામારી પર નિયંત્રણ લાવવામાં તંત્રની આંશિક સફળતા આ આંકડાઓ પરથી જણાઈ રહી છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા તેની સીધી અસર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પર પણ જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું કે છેલ્લા આઠ દિવસમાં સુરત શહેરના તમામ વોર્ડમાં આવેલા કુલ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 772 પર પહોંચી ચુકી છે.