Site icon Revoi.in

મુખ્યમંત્રીએ લોકપ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યા બાદ 20 કલાકમાં 500 ફરિયાદો મળી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય બન્યા છે. લોકો પોતાના પ્રશ્નોની સીધી ફરિયાદ કરી શકે તે માટે મુખ્યમંત્રીએ વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે લોકોનો સારાએવો રિસપોન્સ મળ્યો છે. માત્ર 20 કલાકમાં જ 500 જેટલી ફરિયાદો મળી છે. અને ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે જે તે વિભાગોને મોકલવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર હવે ઓનલાઈન થવા લાગી છે. સરકારે તમામ કામગીરી હવે ધીમેધીમે કાગળમુક્ત કરવાનો નિર્ણય લઈ ડિજિટલને પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ  મુખ્યમંત્રી કાર્યાલાય- CMOએ નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો મોકલવા જાહેર કરેલા વોટ્સએપ નંબર 7030930344  જાહેર કર્યો છે. બુધવારે બપોરે બે વાગ્યા સુધીના 20 કલાકમાં 500થી વધુ ફરિયાદોના ઢગલા થયા છે. આમ સરકારે અપેક્ષા પણ નહીં રાખી હોય એટલી ફરિયાદોનો ઢગલો થયો છે. જેમાંથી અધિકાંશ ફરિયાદો જિલ્લા સ્તરના અધિકારક્ષેત્રની હોવાનું જણાવતા CMOના જનસંપર્ક કાર્યલાયે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, શિક્ષણ, આરોગ્ય અધિકારીને મોકલવામાં આવતા જિલ્લા-તાલુકાઓમાં દોડધામ મચી છે. આમ હવે સ્થાનિક તંત્રએ આ ફરિયાદોના ઉકેલ માટે સતત દોડતા રહેવું પડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મહેસૂલ વિભાગે ગત સપ્તાહે તમામ જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો- RACની સમીક્ષા બેઠક યોજી ત્યારે CMOના અધિકારીએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં તાલુકા, જિલ્લા કક્ષાએ દર્શાવેલી શુન્ય ફરિયાદો ખુલાસો માંગ્યો હતો. આમ સૌથી વધુ ફરિયાદો ક્યા થવાની છે એ પણ તંત્ર સારી રીતે જાણે છે. વહીવટી તંત્રમાં એવી શીથીલતા આવી ગઈ છે.  જો કે, મંગળવારે વોટ્સએપ નંબર જાહેર થયાના એક જ દિવસમાં 500 ઉપરાંત ફરિયાદો મળતા CMOના જનસંપર્ક કાર્યલાયે તેને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે પ્રથમ ફરિયાદની સત્યતા, બાદમાં તપાસ અને છેવટે ઉકેલનો અહેવાલ માંગ્યો છે. અત્યારસુધીમાં જિલ્લા અને તાલુકાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદો કે રજૂઆતો શુન્ય રહી ત્યાં અચાનક તંત્રને દોડધામ કરવી પડશે. લોકો તંત્ર સુધી ફરિયાદો કરવા માટે પહોંચતા ન હતા. હવે ઓનલાઈનના જમાનામાં સરકારે પ્રજાના હાથમા વોટ્સએપરૂપી હથિયાર આપી દીધું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સીએમઓને વોટ્સએપ મારફતે મળેલી ફરિયાદોમાં સૌથી વધુ પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. જેનો તંત્રએ તાત્કાલિક નિવેડો લાવવો પડશે નહીં તો આ ફરિયાદોના સતત ઢગલા થતા રહેશે.