Site icon Revoi.in

અમદાવાદમાં કેલિકો મિલનો 54,67 કરોડનો મ્યુનિ.નો ટેક્સ બાકી, રેવન્યુ રેકર્ડમાં બોજો નોંધાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી બંધ પડેલી મિલો સહિત અનેક એવી પ્રોપર્ટી છે. કે, વર્ષોથી એનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. અને 18 ટકાના તોતિંગ વ્યાજ સાથે કરોડો રૂપિયાની બાકીની વસુલાત થઈ શકતી નથી. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે તે મિલકત ધારકની મિલકતની હરાજી અને બોજો પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ ટેક્સ કેલિકો મિલ અને તેની કેમ્પસમાં આવેલી મિલકતોનો ટેક્સ બાકી છે. કેલિકો મિલનો કુલ રૂ. 54.67 કરોડ બાકી છે, જેને લઈ કલેક્ટર ઓફિસમાં મિલકતમાં રેવન્યુ રેકર્ડમાં બોજો નોંધાવવાની કાર્યવાહી કરાવામાં આવી હતી. એટલે હવે જ્યાં સુધી મ્યુનિ.નો બોજો હશે ત્યાં સુધી મિલ્કતો વેચી શકાશે નહીં.

એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી મોટા બાકીદાર કેલિકો મિલ્સ છે. મિલ તથા તેના કેમ્પસમાં આવેલી મિલકતોનો કુલ બાકી ટેક્સ રૂ. 54.67 કરોડ છે. હવે કેલિકો મિલ્સની તમામ મિલકતો સામે મામલતદાર કચેરીમાં બોજો નોંધાવવામાં આવ્યો છે. હવે બીજી બંધ મિલો પર બોજો નોંધાવવામાં આવશે અને લીક્વીડેશનની પ્રોસેસ થાય ત્યારે કોઇપણ નેગોશિયેશન વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપૂર્ણ ટેક્સ 18 ટકા વ્યાજ સાથે મળશે. ટેક્સ ભરપાઈ ન કરે ત્યાં સુધી મિલકત વેચી શકશે નહીં. આ ઉપરાંત છેલ્લા અઠવાડીયામાં ઉત્તરઝોન તથા મધ્યઝોન દ્વારા નીચે દર્શાવ્યા મુજબ વધુ 3 મિલકતોની સામે પણ બોજા નોંધણી કરાવવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  મ્યુનિ.ના ટેક્સ વિભાગ દ્વારા મિલકતને હરાજી કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે, છતાં પણ મિલકત ધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા કલેક્ટર ઓફિસમાં બોજો નોંધાવવામાં આવશે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 58 જેટલી મિલકતો સામે બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેની રકમ રૂ. 64.26 કરોડ જેટલી થાય છે. 30થી 60 દિવસના સમયગાળામાં જો ટેક્સ ભરી દેવામાં આવશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને NOC આપવામાં આવશે. જો ત્યાં સુધીમાં તે ટેક્સની ભરપાઈ નહીં કરે તો રેવન્યુ રેકોર્ડમાં તેની પાકી નોંધ કરવામાં આવશે.