Site icon Revoi.in

બીએસસી નર્સિંગમાં પ્રવેશના અંતિમ રાઉન્ડ બાદ 5930 બેઠકો ખાલી, હવે કોલેજો સીધો પ્રવેશ આપશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગ બાદ હવે પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં પણ બેઠકો પણ ખાલી રહેવા લાગી છે. પેરા મેડિકલમાં નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ બીએસસી નર્સિંગની ખાલી બેઠકો માટે કાઉન્સિલ દ્વારા પ્રવેશની મુદત વધારવામાં આવતાં નવેસરથી  પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કરાયેલા કુલ રાઉન્ડના અંતે બીએસસી નર્સિંગની કુલ 8624 બેઠકો પૈકી 5930 બેઠકો ખાલી રહી હતી. હવે ખાલી પડેલી બેઠકો કોલેજોને ભરવા માટે આપી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગમાં એએનએમ અને જીએનએમમાં 25 હજારથી વધારે બેઠકો ખાલી હોવા છતાં કાઉન્સિલ દ્વારા પ્રવેશની મુદતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નહોવાથી બેઠકો ખાલી પડી હતી. જ્યારે  બીજી બાજુ બીએસસી નર્સિંગની બેઠકો ભરવા માટેની મુદત 17મી સુધી વધારવામાં આવી હતી. જેના કારણે પ્રવેશ સમિતિ દ્વારા તાજેતરમાં નવો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. પ્રવેશ સમિતિએ જે વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ ફાળવણી કરી તેમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત 10મીએ પૂરી થઇ ચૂકી હતી. અને કઇ કોલેજમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની વિગતો વેબસાઇટ પર મુકી દેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, બીએસસી નર્સિંગની અનેક કોલેજમાં એકપણ બેઠક ભરાઇ નથી. કેટલીક કોલેજોમાં 10 ટકા બેઠકો પણ ભરાઇ નથી. બીએસસી નર્સિંગની કુલ 8624 બેઠકો પૈકી અત્યાર સુધીમાં માત્ર ત્રણ હજાર બેઠકો ભરાઇ શકી છે. હાલની સ્થિતિમાં જુદી જુદી કોલેજોમાં 5930 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો હવે ભરવા માટે જે તે કોલેજોને આપી દેવામાં આવી છે. કોલેજો આગામી 17મી સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકશે. નર્સિંગમાં હાલની સ્થિતિમાં કેટલી બેઠકો ખાલી છે અને કેટલી ભરાઇ તેની આંકડાકીય વિગતો પણ જાહેર કરવામાં આવી નથી.(file photo)

Exit mobile version