નવસારીઃ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં આજુબાજુના નજીકના ગામોનો સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. પણ નગરપાલિકામાં જે ગામોને મર્જ કરવામાં આવે તો ત્યાર બાદ તે ગામોનો ટેક્સ વધી જતો હોય છે. આથી મોટાભાગના ગામડાં શહેરો સાથે મર્જ થવામાં રાજી થતાં નથી. વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બિલીમોરા નગરપાલિકા પણ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈ આસપાસના ગામોને બિલીમોરા નગરપાલિકામાં જોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો કેસલી, દેવર, વલોટી, ધકવાડા, આંતલીયા, નાંદરખાના ગ્રામજનોએ વિરોધ કર્યો છે. બિલિમોરા નગરપાલિકાએ છ ગામોને ભેળવવા પત્ર લખ્યો છે. જો કે ગ્રામજનોએ તેના વિરોધમાં આંદોલન શરૂ કર્યું છે. આ તમામ ગામમાં તળાવ, ગૌચર, લાઈટ, પાણી, રસ્તાની સારી સુવિધા છે. બિલીમોરા નગરપાલિકામાં ગામડાઓનો સમાવેશ થાય તો વેરા વધુ ચુકવવા પડશે. જેથી ગ્રામજનો નગરપાલિકામાં સમાવેશ થાય તેવું ઈચ્છતા નથી. આ મુદ્દે નગરપાલિકાનું તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા વિસ્તાર હદ વિસ્તરણ કરવા મામલે અન્ય ગ્રામજનો ભેગા મળીને નગરપાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર બીલીમોરાના કેશલી ગામે બુલેટ ટ્રેનનું અદ્યતન સ્ટેશન બનવા જઈ રહ્યું છે. ત્યારે આ સ્ટેશનને પાણી તેમજ અન્ય સુવિધા પૂરી પાડવા માટે બીલીમોરા નગરપાલિકાને સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ આ કેશલી ગામ બીલીમોરા હદ વિસ્તારમાં નહીં આવતું હોવાથી નગરપાલિકાને કેશલી ગામ સુધી પહોંચવા અન્ય ગામોને પાલિકામાં જોડવા મંજૂરી લેવી આવશ્યક બની છે. જેથી બીલીમોરા નગરપાલિકા દ્વારા દેવસર, તલોધ, વલોટી, ધકવાડા, આંતલીયા, અને નાંદરખા એમ 6 ગામોને પત્ર લખી નગરપાલિકામાં જોડાવા અનુમતિ માંગી છે. તેથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.