Site icon Revoi.in

દાંડીના બીચ પર નહાવા પડેલા 6 યુવાનો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા હોમગાર્ડ જવાનોએ બચાવ્યા

Social Share

નવસારીઃ દાંડીના સમુદ્રના બીચ પર હાલ ઉનાળાના વેકેશનને લીધે અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવાનો ફરવા માટે દાંડીના બીચ પર આવ્યા હતા. બપોરે ગરમી હોય તમામ યુવાનો નાહવા પડ્યા હતા. ભરતી હોય પાણી વધતા યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેને લઈ કિનારે ફરજ બજાવતા મરીનના હોમગાર્ડ જવાનોએ લાઈફ જેકેટ લઈને યુવાનો ડૂબતા હતા તેમને બચાવી લઇ સહી સલામત કિનારે લાવ્યા હતા. નવસારીના દાંડીના દરિયાકિનારે હાલ વેકેશન હોય સહેલાણીઓ દૂર દૂરથી ફરવા આવે છે. બીચ પર મરીન સિક્યુરિટીના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાંડીના બીચ પર સુરતના મહુવાના વલવાડા ગામના 6 યુવાનો ફરવા માટે આવ્યા હતા. દરમિયાન ગરમી વધુ હોવાથી ઠંડક મેળવવા 6 યુવાનો  દરિયામાં નહાવા પડી મોજમસ્તી કરતા હતા. ત્યારે અચાનક બપોરની ભરતીને કારણે પાણી વધતું હોવાનો  યુવાનોને  ખ્યાલ આવ્યો ન હતો. થોડા સમય બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાતા હોવાનો અહેસાસ થયો હતો, જેના કારણે તમામે બચાવો બચાવોની બૂમો પાડી હતી. ​​​​​​​​​​​​​​જેને પગલે દરિયા કિનારે ફરજ બજાવતા 5 હોમગાર્ડ જીજ્ઞેશ ડી.ટંડેલ, નીતિન ટંડેલ, ચંદ્રકાન્ત એ.પટેલ, પ્રશાંત પટેલ, દિવ્યેશ આર.ટંડેલના ધ્યાને યુવકો ડૂબી રહ્યાનું આવતા તુરંત લાઈફ જેકેટ લઈ જ્યાં યુવકો ડૂબતા હતા તે જગ્યાએ પહોંચી ગયા હતા અને જવાનોએ પોતાની સાથે લાવેલા લાઈફ જેકેટ ડૂબી રહેલા તમામ યુવકોને પહેરાવી દઇ સહી સલામત રીતે કિનારે લઇ આવ્યા હતા. બચી ગયેલા યુવકોએ હોમગાર્ડ ના જવાનોનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો.

હોમગાર્ડના જવાનોએ જણાવ્યું હતું કે, દાંડીના બીચ પર બપોરના ટાણે  દરિયાની ભરતી આવતા ઊંડા પાણીમાં નહાવા પડ્યા બાદ ડૂબી રહેલા કેટલાક યુવાનો પૈકી એક યુવાનનો હાથ બચાવવા માટે અઢી કિલોમીટર દૂર દરિયામાં ઇશારો કરતો જણાતા એ જોઇને તરત જ તમામ હોમગાર્ડે દરિયાની દિશામાં દોડ મુકી તરીને તમામ યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.