Site icon Revoi.in

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 19માં પદવીદાન સમારોહમાં 628 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

Social Share

જુનાગઢઃ ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા.

કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે, દિક્ષાંતનું ખૂબ મહત્વ છે. ડિગ્રી લઈને તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે સમાજમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા આગળ વધશો તેવી શુભકામના.

કૃષિ યુનિવર્સિટીના છાત્રો સાથે કૃષિની સાંપ્રત સ્થિતિ અને પડકારો અંગે સંવાદ સાધતા રાજ્યપાલએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે. અને હવે તેણે પોતાનું વિનાશક રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. સમુદ્રી તોફાનો, વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ વગેરે ગ્લોબલ વૉર્મિંગની અસરો અને નુકસાનીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં વૈશ્વિક તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થવાની આગાહી છે, ત્યારે શું મૌસમની લડાઈના આ મારને વર્તમાન કૃષિ સહન કરી શકશે?

આ પરિસ્થિતિ આપણે મનુષ્યોએ જ ઊભી કરી છે, તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, મનુષ્ય સિવાય કોઈપણ જીવસૃષ્ટિએ પ્રકૃતિને આટલી હાનિ નથી પહોંચાડી. ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળ રાસાયણિક ખેતી 24 ટકા જવાબદાર છે. ઉપરાંત જૈવિક ખેતીના કારણે પણ વાતાવરણમાં મિથેન ગેસ વધવાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે.

રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના અતિરેકથી ખેતીની જમીન બિનઉપજાઉ બની ગઈ છે, તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, આ તમામ સમસ્યાનું નિદાન પ્રાકૃતિક ખેતીમાં છે. કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો તથા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિપોર્ટસના ઉલ્લેખ તેમજ અનુભવજન્ય પુરાવાઓ સાથે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવીને તેના માટે કામ કરવા અને અપનાવવા કૃષિ યુનિવર્સિટીના છાત્રોને આહ્વાન કર્યું હતું.

આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે અતિથિ વિશેષ તરીકે વર્ચ્યુઅલી હાજર રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે છાત્રોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે દેશમાં અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે.

કૃષિ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની સહાયકારી યોજનાઓથી અનેક ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર શરૂ કરવામાં આવ્યા છે. આવા છ સેન્ટર શરૂ થઈ ગયા છે અને બીજા નવા સાત સેન્ટર નિર્માણ પામી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.