Site icon Revoi.in

બનાસકાંઠામાં 89038 હેકટરમાં ઉનાળું વાવેતર, બાજરી, મગફળી, સહિતના વાવેતરમાં વધારો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝન પૂર્ણ થતાં જ ખેડુતો ઉનાળાની વાવણી કાર્યમાં જોતરાયા છે. જિલ્લામાં બોર-કૂવા અને કેનાલો દ્વારા સિંચાઈ માટે પાણી મળી રહેતું હોવાથી ખેડૂતો વર્ષે ત્રણ પાક લેતા હોય છે. હાલ ખેડુતોએ 89038 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ બાજરી, ઘાસચારો અને મગફળીનું વાવેતર થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરનો પ્રારંભ થઈ ચુકયો છે. જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 89038 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ બાજરી, ઘાસચારો અને મગફળીનું વાવેતર થયું છે .અત્યારે માર્ચ મહિનાના છેલ્લા દિવસો છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન વાવેતર કાર્ય ધીમુ છે. જોકે, ટુંક સમયમાં જ વાવેતર જોર પકડશે.

બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લાની 90 ટકા જમીન પિયત વાળી છે. જેના કારણે જ્યાં પિયતની સુવિધા છે તેવા વિસ્તારમાં વાવેતર શરૂ થયુ છે. ઉનાળામાં ઉનાળુ બાજરી, મગફળી, શાકભાજી તથા થાસચારો મુખ્ય પાક છે. સત્તાવાર આંકડા પ્રમાણે માર્ચ સુધીમાં જિલ્લામાં 89038 હેક્ટર વિસ્તારમાં વાવેતર કાર્ય પુર્ણ થયુ છે. જેમાં બાજરીનું 52723 હેક્ટરમાં વાવેતર થયુ છે. સૌથી વધુ બાજરીનું વાવેતર થરાદમાં 16884 હેક્ટર તથા ત્યારબાદ કાંકરેજ 7891 હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે.

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વાઇઝ ઉનાળુ વાવેતરના આંકડા જોઈએ તો અમીરગઢ 970 હેકટરમાં, ભાભર 4347 હેકટર, દાંતા તાલુકામાં 2034 હેકટરમાં,  દાંતીવાડા તાલુકામાં 4171 હેકટર,  ડીસા તાલુકામાં 14296 હેકટર, દિયોદર તાલુકામાં  942 હેકટર, ધાનેરા તાલુકામાં 9650 હેકટરમાં તેમજ  કાંકરેજ તાલુકામાં 12081 હેકટર, લાખણી તાલુકામાં 6974 હેકટર, પાલનપુર તાલુકામાં 6333 હોકટર,  સુઇગામ તાલુકામાં 1550 હેકટર,  તથા થરાદ તાલુકામાં  22459 હેકટર અને  વડગામ તાલુકામાં 1493 હેકટર તથા વાવ તાલુકામાં 1738 હેકટર ઉનાળુ વાવેતર થયું છે. હજુ પણ વાવણી કાર્ય ખેડુતો કરી રહ્યા છે.