Site icon Revoi.in

નર્મદા નહેરની 91.76 ટકા કામગીરી પૂર્ણ, બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશેઃ પટેલ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ થયેલી નર્મદા યોજનાના પરિણામે કચ્છ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નર્મદાના નીર પહોંચ્યા છે.

મંત્રી  પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,49,41 કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી 63,773  કિ.મી લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે, નર્મદા નહેર બનાવવાની 91.76 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી વર્ષ 2025  સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને રાજ્યના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. 31/12/2023ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ 100 ટકા પૂર્ણ થયું છે તેમજ શાખા નહેરનું કામ 99.98  ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું 96  ટકા, પ્રશાખા નહેરનું 93  ટકા અને પ્રપ્રશાખા નહેરનું 90 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 5724  કિ.મી નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે, તે પૈકી 724 કિ.મી નહેરોનુ બાંધકામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતુ નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 5,000 કિ.મીમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે. લઘુ જળ વિદ્યુત મથકોમાં કુલ 85.46  મેગાવોટના પ્રોજેક્ટ પૈકી તા. 31-12-2023ની સ્થિતિએ 63.80  મેગાવોટ્ના કામો પૂર્ણ થયા છે,

તેમણે વધુ ઉમેર્યું હતું. કે નર્મદા યોજનાના મુખ્ય કેનાલના કામો પૂર્ણ થઈ ગયા છે. પણ બ્રાન્ચ કેનાલના કામ થોડા બાકી છે. જે વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.