પાટણઃ શહેરમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ કરાયેલા સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરાયું હતું. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સ્થળ વધુ રમણીય બને અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથીમાં સરસ્વતીની વંદના માટે નદીકાંઠે સહસ્ત્ર તરુવનમાં બનેલા સરસ્વતી વનમાં આર્યવ્રત નિર્માણ અને સરસ્વતી ઉપાસકોએ સાથે મળી સરસ્વતીના મંદિર સાથે તળાવ અને પંથ મળી 120 ફૂટથી લાંબો સરસ્વતી ઘાટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે.
આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે પાટણ ઐતિહાસિક નગરી છે.જ્યાં સરસ્વતી નદી વહે છે.પરંતુ હાલમાં વહેણ ચાલુ નથી.જેથી કાંઠે તળાવ બનાવી પાણી અંદર સરસ્વતી માતાજીનું મંદિર બનાવી ગંગા ઘાટ સમાન સરસ્વતી ઘાટ બનાવી રોજ માં સરસ્વતીની વંદના થાય તેવું પવિત્ર સ્થળ બનાવાનો અમારો આશ્રય છે.આ સ્થળ પાટણની શોભામાં વધારો કરશે.અંદાજે બે વર્ષમાં આ ઘાટનું કામ પૂર્ણ થાય તેવો અમારો પ્રયાસ રહેશે.સરસ્વતી માં ના તમામ ઉપાસકોના સહયોગથી આ ઘાટ તૈયાર કરાનાર છે.