Site icon Revoi.in

દક્ષિણ અમેરિકી દેશ Ecuador માં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો,12 ના મોત

Social Share

દિલ્હી: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી છે.એજન્સીના જણાવ્યા પ્રમાણે ગુયાસમાં ભૂકંપ એટલો તીવ્ર હતો કે આખા શહેરમાં તેનો અનુભવ થયો હતો.ઘણા મકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું અને 12 લોકોના મોત થયા હતા.હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અહેવાલ મુજબ, ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર ગુયાસથી લગભગ 80 કિમી દક્ષિણમાં જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

એક્વાડોરના રિસ્ક મેનેજમેન્ટ સચિવાલયે જણાવ્યું કે કારની અંદર બેઠેલા એક વ્યક્તિનું ક્વેંકામાં મૃત્યુ થયું. ભૂકંપ સમયે તે કારની અંદર હાજર હતો, ત્યારે અચાનક એક ઘરનો કાટમાળ તેના પર પડ્યો અને તેનું મોત થયું.આ સિવાય તટીય રાજ્ય અલ ઓરોમાં અન્ય ત્રણ લોકોના મોત થયા છે.જુદા જુદા વિસ્તારોમાંથી મૃત્યુઆંક સામે આવી રહ્યો છે, તેથી 12 મૃત્યુનો આંકડો વધુ વધી શકે છે.

અગાઉ તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ જોવા મળ્યો હતો.જેમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા.6 ફેબ્રુઆરીની સવારે ત્યાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપનો પહેલો આંચકો સવારે 4.17 કલાકે આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી.ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.