Site icon Revoi.in

ભારતીય સિરીઝ પહેલા બાંગ્લાદેશને મોટો ફટકો,કેપ્ટન તમીમ ઈકબાલ સહિત બે સ્ટાર ખેલાડી આઉટ

Social Share

મુંબઈ:ન્યુઝીલેન્ડ બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે.અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાવાની છે.આ પછી બે ટેસ્ટ મેચો રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશ ટીમ અને તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. યજમાન ટીમનો કેપ્ટન તમીમ ઈકબાલ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર છે.

જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ પીઠના દુખાવાથી ઝઝૂમી રહ્યો છે.આ કારણે તે ટીમ ઈન્ડિયા સામેની પ્રથમ વનડેમાંથી બહાર થઈ ગયો છે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં પસંદગી સમિતિના અધ્યક્ષ મિન્હાજુલ આબેદીને આ માહિતી આપી છે.

બાંગ્લાદેશની ટીમે પહેલાથી જ ODI સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.આ ટીમની કપ્તાની તમીમ ઈકબાલને સોંપવામાં આવી હતી.તમીમને 30 નવેમ્બરે મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન જંઘામૂળમાં ઈજા થઈ હતી.તમીમના બહાર થયા બાદ હવે બાંગ્લાદેશની ટીમનું સુકાની કોણ કરશે તે જણાવવામાં આવ્યું નથી.

મિન્હાજુલે ગુરુવારે ક્રિકબઝને કહ્યું, ‘તસ્કીન પ્રથમ મેચમાંથી બહાર છે, કારણ કે તેની પીઠનો દુખાવો ઉભરી આવ્યો છે.અમે તેની ઈજા પર નજર રાખી રહ્યા છીએ.આ પછી જ નક્કી થશે કે તે આગળની મેચો રમી શકશે કે નહીં.

ભારતના બાંગ્લાદેશ પ્રવાસની શરૂઆત વનડે સિરીઝથી થશે.પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે સિરીઝની બીજી વનડે 7 ડિસેમ્બરે અને ત્રીજી મેચ 10 ડિસેમ્બરે રમાશે.પ્રથમ બે મેચ ઢાકામાં રમાશે જ્યારે છેલ્લી મેચ ચિટગાંવમાં રમાવાની છે.આ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે.બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 14 થી 18 ડિસેમ્બર સુધી રમાશે.જ્યારે બીજી ટેસ્ટ મેચ 22 થી 26 ડિસેમ્બર સુધી રમાશે.