Site icon Revoi.in

રાજસ્થાનના જેસલમેરમાં પ્રવાસીઓથી ભરેલી બસને દૂર્ઘટના નડી, ત્રણના મોત

Social Share

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. એક બસ કરંટની ઝપટમાં આવતા બસમાં સવાર 8 મુસાફરો ગંભીર રીતે દાઝ્યાં હતા. જ્યારે 3ના મોત થયા હોવાનું જાણવા મળે છે. પાંચ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. સીએમ અશોક ગેહલોતે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો સંત સદારામના મેળામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જેસલમેરથી 15 કિલોમીટર દૂર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલજીની ડેરી પાસે આ અકસ્માત થયો હતો. વિસ્તારના ખીણિયા અને ઘુઇયાળા ગામના ગ્રામજનો ભાડેથી ખાનગી બસ લઇને લોકદેવતા સંત સદારામના મેળામાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પોલજીની ડેરી પાસે રોડની ઉંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ઉપરથી પસાર થતા વાયરો થોડા નીચા થઈ ગયા હતા. બસની અંદર ઉપરાંત તેની છત પર પણ ભક્તો બેઠા હતા. ત્યાંથી નીકળતી વખતે બસની છત પર બેઠેલા મુસાફરો ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર્કમાં આવ્યા હતા.

કરંટની લપેટમાં આવતાની સાથે જ આખી બસમાં કરંટ ફેલાઈ ગયો હતો. જો કે, ડ્રાઈવરની સમયસુચકતાને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી.