Site icon Revoi.in

અમદાવાદમાં ઈન્કમટેક્સ ભવનમાં કાળા નાણા, હવાલાની ફરિયાદ માટે શરૂ કરાયો કન્ટ્રોલરૂમ

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આતારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે આવકવેરા વિભાગ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, વૉટ્સ ઍપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ રોકવા માટે અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી ગતીવિધિ સંદર્ભે કોઈપણ પ્રકારની જાણકારી આપવા કે ફરિયાદ કરવા આવક વેરા વિભાગ દ્વારા રૂમ નં.141, પહેલો માળ, આયકર ભવન, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટોલ ફ્રી નં. 1800-599-99999, લેન્ડ લાઈન નં. 079-29911052/3/4/5 જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૉટ્સઍપ નં. 8160745408 પર તથા આવક વેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈમેઈલ આઈ.ડી. cleangujaratelecon@incometax.gov.in પર પણ ફરિયાદ કરી શકાશે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.