Site icon Revoi.in

ધારી તાલુકાના જીરા ગામે ઘસઘસાટ ઊંઘતી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી જતાં મોત

Social Share

અમરેલીઃ ધારી તાલુકામાં સિંહ ઉપરાંત દીપડાંની રંઝાડ પણ જોવા મળી રહી છે. અને સતત હુમલાની ઘટનાઓ વધી રહી છે. સૌથી વધુ દીપડાના કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રીના બે વાગ્યા આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ચાર વર્ષીય બાળકી ચંદ્રિકાબેન દિનેશભાઇ ચારોલાને ઉઠાવી શિકાર કરવા માટે દૂર દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો. જોકે લોકોએ રાડા રાડ અને દેકારો મચતા દીપડાએ શિકાર કરી રહેલા મૃતકની બોડી ખેતીવાડી વિસ્તારમાં મૂકી નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ગામમાં પહોંચી અને તપાસ શરૂ કરી છે. મૃતક બાળકીની લાશ પી.એમ.માટે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વનવિભાગ દ્વારા પંચરોજ કામગીરી હાથ ધરી હતી. પરિવારમાં માસુમનો દીપડો જીવ લઈ જતા ગમગીની ભર્યો માહોલ છવાયો છે.

વન ભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ કક્ષાએથી વનવિભાગને દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ મળ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે અને વનવિભાગની ટીમો દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી કરી દેવાઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં દીપડાંના હુમલાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં એક મહિલા પર દીપડાએ હુમલો કરતા મોત થયું હતું. ત્યારબાદ ધારીના ડાભાળી જીરા વચ્ચે સીમ વિસ્તારમાં દીપડાએ એક બાળકીને ઉઠાવી તેમનો શિકાર કર્યો હતો. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં સિંહણ દ્વારા 6 વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી. છેલ્લે ખાંભાના નાની ધારી ગામમાં સિંહ દ્વારા એક ખેત મજૂરને ફાડી ખાવાની ઘટના માં મોત થયું હતું. આમ છેલ્લા એક થી સવા મહિના સુધીમાં સતત વન્યપ્રાણીની હુમલાની ઘટના વધી રહી છે.