Site icon Revoi.in

લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ખાતે 21મી જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવ યોજાશે

Social Share

રાજકોટઃ લેઉવા પટેલ સમાજના આસ્થના પ્રતિક સમાન ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે 21 જાન્યુઆરીએ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખુદ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી આમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે હાલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય હાલ સ્વયંસેવકો દ્વારા હવનકુંડ બનાવવામાં આવી રહ્યા છે.

લેઉવા સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ મંદિરને 21મી જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમમનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ વર્ષ પહેલા તા. 21 જાન્યુઆરી 2016ના રોજ કાગવડ ખાતે માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમયે 1008 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી 21 જાન્યુઆરીના પંચમ પાટોત્સવને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિર ખાતે કુલ 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે યજ્ઞશાળા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે માં અંબા, માં બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમા મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.